મોટી રકમ આપીને સ્ટોલ લીધો, તેની આગળ પાથરણાવાળા બેસીને ધંધો કરવા ન દેતા હોવાનો આક્ષેપ : કંટ્રોલ રૂમને અનેક ફરિયાદ કરવા છતાં પણ પ્રશ્ર્નનો કોઈ નિવેડો નહિ
રાજકોટના રસરંગ લોકમેળામાં પાથરણાવાળાના ત્રાસથી સ્ટોલ ધારકો રોષે ભરાયા છે. તેઓએ કંટ્રોલરૂમની પાસે આવી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટના લોકમેળા રસરંગમાં જે તે વખતે સ્ટોલની હરાજી અને ડ્રો વેળાએ જ તેમાં ભાગ લેનાર ધંધાર્થીઓએ પાથરણાવાળાના ત્રાસની રજૂઆત કરી હતી. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પાથરણાવાળાનો પ્રશ્ન નહીં રહે તેવી મૌખિક ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં મેળામાં પાથરણાવાળા મોટી સંખ્યામાં આવ્યા હોય સ્ટોલ ધારકોએ તેનો વિરોધ નોંધાયો છે.
આ તમામ સ્ટોલ ધારકોએ આજે કંટ્રોલરૂમ પાસે જઈને સૂત્રોચારનો કાર્યક્રમ આપ્યો હતો અને જણાવ્યું હતું કે અમે મોટા ખર્ચ કરીને આ સ્ટોલ અહીં રાખ્યો છે તેવામાં અમારા સ્ટોલની આગળ પાથરણાવાળા આવીને ધંધો કરતા હોય છે જે વ્યાજબી નથી આ અંગે અનેક રજૂઆતો કંટ્રોલરૂમને કરી છે છતાં તેનો કોઈ નિવેડો આવ્યો નથી.