પતિ પોલીસ હોવાનો રોફ જમાવી સાસરિયાઓ રસોઈ મુદ્દે ઝગડો કરતા હોવાથી પતિ,સાસુ,જેઠ,દિયર અને નણંદ વિરૂદ્ધ નોંધાતો ગુનો
રાજકોટ શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલા ગણેશ કોમ્પ્લેક્સમાં છેલ્લા ત્રણ વર્ષથી પુત્રી સાથે માવતરે રહેતી પરિણીતાને ધારીના સરસિયા ગામે રહેતા અને પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા પતિ,સાસુ, જેઠ,દિયર અને નણંદ રસોઈ મુદ્દે ઝગડો કરી અને પતિ પોલીસ હોવાનો રોફ જમાવી ત્રાસ દેતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર માવતરે રહેતી સોનાબેન નામની પરિણીતાએ મહિલા પોલીસમાં પોતાની ફરિયાદમાં આરોપીના પતિ દેવેન્દ્ર નરભેરામભાઇ જોશી, સાસુ વિમળાબેન, જેઠ અનંતભાઇ, દિયર વિપુલભાઇ અને નણંદ જિજ્ઞાબેનના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે,તેને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે.તેના દેવેન્દ્ર સાથે તા.27-4-2018ના રોજ લગ્ન થયા છે.
લગ્નના ત્રણ મહિના બાદ જ સાસુએ ઘરકામ અને રસોઇ મુદ્દે કચકચ શરૂ કરી હતી અને તેઓ જેટલું આપે તેટલું જ રાંધવાનું તેમજ પોતાને થાળીમાં આપે તેટલું જમવાનું આપી પરેશાન કરતા રહેતા હતા.નણંદ જિજ્ઞાબેન પણ આ મુદ્દે પોતાના પર વાસણના છૂટા ઘા કરી તું એમને એમ નથી આવી, મારા ભાઇની નોકરી જોઇને આવી છો તેમ કહી મેણાં મારતા હતા. જ્યારે પતિ ઘરે આવે ત્યારે સાસુ, નણંદ તેમને પોતાના વિરુદ્ધ કાનભંભેરણી કરી કહેતાં કે, તારી પત્ની તારા મિત્રો સાથે હાથ મિલાવીને હસી મજાક અને વાતો કરે છે.
જેને કારણે પતિ પોતાની સાથે ઝઘડો કરી ચારિત્ર્ય પર શંકા કરતા હતા. દરમિયાન પોતે સગર્ભા હોવા છતાં ઘરનું તમામ કામ પોતાની પાસે કરાવતા હતા. આ સમયે જેઠ, દિયર બધાને ભેગા કરી પોતાની મજાક કરી નીચું દેખાડવા માનસિક ત્રાસ આપતા હતા. અને પતિ પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવી ત્રાસ આપતા હોવાથી તેને તમામ સાસરિયાં સામે ફરિયાદ નોધાવી છે.