હિંસા બાદ તંત્રે કુલ 37 સ્થળોએથી 57 એકરની વિશાળ જગ્યા પર ડિમોલીશન હાથ ધર્યું

હરિયાણાના નૂહમાં ગત દિવસોમાં થયેલી હિંસા બાદ તોફાનીઓ સામે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નૂહ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં ગેરકાયદે બાંધકામ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં નૂહમાં જે હોટેલ અને શો રૂમમાં છુપાઈને તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો તે હોટેલ-શો રૂમ સહીત કુલ 37 સ્થળોએ 57.5 એકર જમીનના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 162 કાયમી અને 591 કાચા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.

સાંપ્રદાયિક અથડામણ ફાટી નીકળ્યાના એક અઠવાડિયા પછી સોમવારે પ્રાયોગિક ધોરણે બેંકો અને એટીએમ ફરીથી ખોલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે સોમવારે નુહ, તાવડુ, પુનહાના, ફિરોઝપુર ઝિરકા, પિંગાવન અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં નાણાકીય સંસ્થાઓ થોડા સમય માટે ખોલવામાં આવશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ ધીરેન્દ્ર ખરગટા દ્વારા રવિવારે જારી કરાયેલા આદેશ અનુસાર પ્રાયોગિક ધોરણે 7 ઓગસ્ટે બેંકો અને એટીએમ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકોમાં નાણાકીય વ્યવહારો સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે, જ્યારે એટીએમ બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ખડગતાએ જણાવ્યું હતું કે 7 ઓગસ્ટે સરકારી કચેરીઓ પણ સુચારૂ રીતે ચાલશે. તેમણે કહ્યું કે કર્મચારીઓ તેમના ઓળખ કાર્ડ બતાવીને તેમના કાર્યસ્થળમાં પ્રવેશ કરી શકે છે. તેમણે કહ્યું કે જિલ્લામાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.