સેન્સેક્સે 63,716 અને નિફ્ટીએ 18908 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરતા રોકાણકારોમાં ભારે ખુશાલી
વિદેશી રોકાણકારો દ્વારા સતત કરવામાં આવી રહેલી ખરીદી, એડવાન્સ ટેક્સ કલેક્શનના સારા આંકડાઓ, ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં રેકોર્ડબ્રેક બિઝનેશ અને સારા ચોમાસાના આશાવાદના કારણે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. આજે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો સેન્સેક્સ અને નિફ્ટીએ નવા લાઇફ ટાઇમ હાઇ બનાવ્યા હતા. રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ આજે થોડો મજબૂત બન્યો હતો.
વિશ્ર્વના અન્યો દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત બની રહ્યું છે. વિશ્ર્વની ટોચની એજન્સીઓ દ્વારા સતત ભારતના ગ્રોંથ રેટિંગમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આરબીઆઇ દ્વારા આગામી દિવસોમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત ખરીદી કરવામાં આવી રહી છે. એડવાન્સ ટેક્સ કલેક્શનના આંકડાઓ પણ ખૂબ જ સારા રહેવાના કારણે અને ચોમાસું ટનાટન રહેશે. તેવા આશાવાદના કારણે ભારતીય શેરબજાર તેજીના ટ્રેક પર સવાર થઇ પૂરપાટ ઝડપે દોડી રહ્યું છે.
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો. કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ આજે નવી સર્વોચ્ચ સપાટી હાંસિલ કરી લીધી હતી. સેન્સેક્સે 63,716 પોઇન્ટનો નવો લાઇફ ટાઇમ હાઇ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ 18,908.15ની નવી સપાટી હાંસલ કરી લેતા રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો છે. આજે વિશ્ર્વાસ સાથે બજારમાં સતત ખરીદીનો દોર ચાલુ રહેવાના કારણે દિવસ દરમિયાન બજાર સતત ગ્રીન ઝોનમાં કામ કરતું નજરે પડ્યું હતું.
આગામી દિવસોમાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા સાથે બેંક નિફ્ટીમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં કામકાજ કરતો નજરે પડતો હતો. શેરબજાર સાથે બૂલીયન બજારમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. સોનું અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત બન્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 248 પોઇન્ટના ઉછાળા સાથે 63,666 અને નિફ્ટી 83 પોઇન્ટના ઉછાળા સાથે 18900 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જે રીતે તમામ સાનૂકૂળ પરિબળ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ નજીકના દિવસોમાં સેન્સેક્સ 64,000 અને નિફ્ટી 19000ની સપાટી કૂદાવશે. હાલ બજારમાં મોટી મંદીના કોઇ એંધાણ દેખાતા નથી. સામાન્ય કરેક્શન આવે તેવી શક્યતા જણાઇ રહી છે. જાણકારોના મત્તાનુસાર ભારતીય શેરબજાર સતત નવા સિમાંચિહ્નો હાંસલ કરતું રહેશે. તેવું લાગી રહ્યું છે.