જનરલ બોર્ડમાં પ્રોટોકોલનો ભંગ થતો હોવા છતાં પોતાની જાતને હજુ વિપક્ષી નેતા જ સમજતા વશરામ સાગઠીયા: મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને ટકોર કરી બેસાડી દીધો
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરો જ ચૂંટાઇને આવ્યા છે. છતાં આ 4 વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં પાંચ વર્ષ સુધી વિપક્ષી નેતાનો પદ ભોગવનાર વશરામ સાગઠીયા હજુ પોતાની જાતને એક નગરસેવક તરીકે સ્વિકારવા તૈયાર નથી અને વિપક્ષી નેતાના નશામાં રાંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે જનરલ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની બજેટ સ્પીચ પૂર્ણ થયા બાદ પ્રોટોકોલ મુજબ બજેટ અંગે સૌપ્રથમ વિપક્ષી નેતાએ અભિપ્રાય આપવાનો હોય છે જ્યારે મેયરે વિપક્ષી નેતાને બજેટ અંગે પ્રતિભાવ આપવા માટે આમંત્રિત કર્યા ત્યારે ભાનુબેન સોરાણીના બદલે હરખ પદુડો વશરામ સાગઠીયા ઉભો થઇ ગયો હતો અને બજેટ અંગે પોતાનું સાચુ-ખોટું જ્ઞાન રજૂ કરવા માંડ્યો હતો.
દરમ્યાન આ અંગે સભા અધ્યક્ષ મેયર ડો.પ્રદિપ ડવે તેને બે વાર ટોક્યા હતા અને એવી તાકીદ કરી હતી કે વિપક્ષી નેતાને બોલવાનું હોય છે આપ વિપક્ષી નેતા નથી છતાં વશરામે બોલવાનું ચાલુ જ રાખ્યું હતું અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સમગ્ર મામલો હાથ પર લીધો હતો અને બોર્ડ સમક્ષ એવું જણાવ્યું હતું કે નિયમ મુજબ બજેટ અંગે પ્રતિક્રિયા આપવાનો વિપક્ષી નેતાને છે ત્યારે વશરામ પાછો વળ્યો હતો અને ભાનુબેન સોરાણીને બોલવાની તક આપી હતી. બોર્ડમાં વશરામ સાગઠીયાના આવા વર્તનથી તે હાસ્યપાત્ર બની ગયો હતો.