અંતિમ ટી-20 મેચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ સમાન : સિરીઝમાં 2-2ની બરાબરી
પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ચાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ચુક્યા છે. જેમાંથી બે મેચ ઇંગ્લેન્ડ અને બે મેચ ભારતે જીત્યા છે. ચોથી ટી-20માં ભારતે પ્રથમ બેટીંગ કરીને 185 રનનો સ્કોર ખડકયો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 177 રને અટકી ગઈ હતી અને ભારતને જીત મળી હતી. ગઈકાલના મેચમાં ભારતનો અંદાજ ચોક્કસ અલગ હતો. ભારતીય ટીમે ગઈકાલના મેચમાં જુગાર જ રમ્યો હતો તેવું લાગી આવ્યું હતું. સતત ખરાબ પ્રદર્શન કરતા કે.એલ.રાહુલને ટીમમાં એન્ટ્રી અપાઈ સાથે સૂર્યકુમાર યાદવને બીજા ટી-20માં સ્થાન અપાયું હતું પરંતુ સૂર્યકુમારને ક્રિઝ પર ઉતરવાનો વારો જ આવ્યો નહીં. ત્યારે ત્રીજા મેચમાં સૂર્યકુમારને સ્થાન જ અપાયું નહીં. ચોથા મેચમાં નવા ખેલાડી સૂર્યકુમારને ફરીવાર સ્થાન આપીને જુગાર રમાયો અને જુગારમાં ભારતને ચાંદી હી ચાંદી થઈ ગઈ. સમગ્ર ભારતીય ટીમમાં ફક્ત સૂર્યકુમાર યાદવે જ અર્ધશતક ફટકારી અને પરિણામે ટીમનો સ્કોર 185 રન સુધી પહોંચી શક્યો. આગામી અંતિમ ટી-20 મેચ જે આવતીકાલે રમાનારી છે તેમાં ભારતીય ટીમનો ’અંદાજ’ બિલકુલ અલગ રહેશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અંતિમ મેચમાં ભારતીય ટીમ જો ટોસ જીતશે તો પ્રથમ બોલિંગનો નિર્ણય કરે તેવું લાગી રહ્યું છે. પ્રથમ બોલિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમને 150 રનમાં સંકેલી લેવા બોલર્સ મેદાનમાં ઉતરશે. સાથોસાથ ટીમમાં 5 ની જગ્યાએ 6 બોલરોનો સમાવેશ કરાય અને ઓલરાઉન્ડરો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાય તેવું લાગી રહ્યું છે.
ગઈકાલના મેચમાં જિતનો શ્રેય ઓલરાઉન્ડરોને જાય છે તેવું પણ કહી શકાય છે કારણ કે, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે મહત્વપૂર્ણ સમયે અતિમહત્વપૂર્ણ વિકેટ્સ ચટકાવી ટીમને મેચ પર મજબૂત પકડ અપાવી હતી. બીજી બાજુ યુવા પ્રતિભા સૂર્યકુમારે ટીમને મજબૂત સ્કોર ખડકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુરુવારે ચોથી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 8 રનથી હરાવી દીધું હતું, ભારતની આ જીતના નાયક બીજી ટી-20 રમી રહેલા સૂર્યકુમાર યાદવ અને બોલર્સ રહ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 177 રન જ બનાવી શકી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીમાં 2-2ની બરાબરી કરી લીધી છે. હવે શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ શનિવારે રમાશે.
મહત્વનું છે કે આ મેદાન પર ટીમ ઈન્ડિયા એવી પહેલી ટીમ બની છે, જેણે ટોસ હાર્યા છતાં મેચ જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડે 186 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શરૂઆત કરી હતી અને ભુવનેશ્વર કુમારે તેને બગાડી નાખી હતી. ઇનિંગની ત્રીજી ઓવરમાં તેણે જોસ બટલર (9) ને કે.એલ.રાહુલના હાથમાં કેચ આઉટ કરાવી દીધો.
અહીંથી ડેવિડ મલાન (14) અને જેસન રોય (40) એ બીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. મલાનને રાહુલ ચહરે ક્લીન બોલ્ડ કર્યો. આ પછી હાર્દિક પંડ્યાએ જેસન રોયને સૂર્યકુમાર યાદવના હાથમાં ઝીલાવીને ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. 66ના સ્કોરે 3 વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટોએ બાજી સંભાળી હતી અને ચોથી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. મેચ વધુ રોમાંચક બની રહી હતી ત્યાં જ ચાહરે બેરસ્ટોને સુંદરના હાથમાં ઝીલાવીને ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. આ પછી શાર્દુલ ઠાકુર ત્રાટક્યો હતો અને ઇંગ્લેન્ડને બેન સ્ટોક્સ (46)ના રૂપમાં સૂર્યકુમાર યાદવના હાથમાં ઝીલાવી પાંચમો ફટકો પહોંચાડ્યો હતો.
સોશિયલ મીડિયા પર ‘નોટ આઉટ’ ટ્રેન્ડ
સૂર્યકુમારને આઉટ અપાતા સોશિયલ મીડિયા પર ચાહકોએ ભડાશ કાઢી હતી. તેઓના મતે મોટી સ્ક્રિન પર જોતા સ્પષ્ટપણે એવું નજરે પડ્યું હતું કે, મલાનના હાથમાં રહેલો બોલ જમીનને અડી ગયો હતો. તેમ છતા આઉટનો નિર્ણય આપવામાં આવતા સોશિયલ મીડિયા પર Not Out ટ્રેન્ડમાં આવી ગયું હતું. સૂર્યકુમારની પ્રથમ મેચમાં તેને બેટિંગ કરવાનો ચાન્સ નહોતો મળ્યો અને આજે જ્યારે તે સારા ફોર્મમાં હતો ત્યારે તેને શંકાસ્પદ કેચના આધારે આઉટ કરાર કરી દેવાયો હતો. થર્ડ અમ્પાયરની ભૂલને કારણે લોકો સોશ્યલ મીડિયામાં ભડાશ કાઢી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ જ્યારે ગ્રાઉન્ડ અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે પ્રજામાં રોષ ભભૂકી ઉઠતા પ્રેક્ષકો બોટલોના છુટા ઘા ગ્રાઉન્ડમાં કરી રહ્યા હતા અને તેના પરિણામે થર્ડ અમ્પાયર રાખવાની ફરજ પડી હતી અને હાલ ફરીએકવાર તેવી જ પરિસ્થિતિ નિર્માણધીન થઈ છે.
શું થર્ડ અમ્પાયર ઉપર ફોર્થ અમ્પાયર રાખવા પડશે ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટી-20 મેચ રમાઈ રહી છે. મેચમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મેચની 14મી ઓવરમાં તે કેચ આઉટ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. સૈમ કરનની બોલિંગમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલા શોટને ડેવિડ મલાને બાઉન્ડ્રી પર કેચ કર્યો હતો. કેચ શંકાસ્પદ જણાતા થર્ડઅમ્પાયર પાસે રિવ્યૂ લેવાયો હતો. જેમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું કે સૂર્યકુમાર યાદવે જે શોટ માર્યો હતો, તેનો બોલ જમીનમાં એક ટપ્પો ખાઈને મલાનનાં હાથમાં આવ્યો હતો. થર્ડઅમ્પાયરે પણ આ કેચને લાંબા સમય સુધી જોયા બાદ હાથ ઊંચા કરી દીધા હતા અને ગ્રાઉન્ડ અમપ્યારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. નિર્ણય આપતા પૂર્વે થર્ડ અમ્પાયરે કહ્યું હતું કે, ’આઈ ડોન્ટ નો’(મને ખબર જ નથી). ત્યારે થર્ડ અમપ્યારના આ પ્રકારના શબ્દોથી ટીમના ખેલાડીઓથી માંડીને લોકોમાં પણ નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિવેદનથી હવે સવાલ ઉદ્ભવી રહ્યો છે કે, શું હવે થર્ડ અમ્પાયરની ઉપર ફોર્થ અમ્પાયર રાખવા પડશે ?