જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો જામ્યો શિવમય માહોલ
પહેલા દિવસથી જ ભાવિકોની ભીડ: અન્નક્ષેત્રોમાં ભાત ભાતના ભાવતા ભોજન
“બમ બમ ભોલે, હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” ના નાદ સાથે ગઈકાલથી શરૂ થયેલ ભવનાથનો મહાશિવરાત્રી મેળો પ્રથમ દિવસેથી જ ભરચક થઈ જવા પામ્યો છે. ગઈકાલે ધજા રોહન બાદ અખાડામાં અને નાગા સાધુઓ તથા સંતો, મહંતો દ્વારા અખાડા પ્રજવલિત કરવામાં આવ્યા હતા. આ સાથે અન્ન ક્ષેત્રો પણ શરૂ થઈ જવા પામ્યા હતા. અને પ્રથમ દિવસે જ હૈયે હૈયુ દળાય તેવો માનવ મહેરામણ મેળામાં ઉમટ્યો હતો. તો સાંજના સમયે ભવનાથમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક અચકાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ગઈકાલે મહા વદ નોમના પાવના દિવસે ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ ક્ષેત્રમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિર ખાતે ઇન્ચાર્જ કલેકટર, પ્રાંત અધિકારી, મેયર ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ અને રાજશ્રીઓ તથા શહેરના શ્રેષ્ઠિઓ અને સંતો, મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજા પૂજન બાદ મંદિર પર નુતન ધ્વજા રોહન કરવામાં આવ્યો હતો. આ સાથે જુના અખાડા, દશનામ અખાડા, અગ્નિ અખાડાના સહિતના અખાડાઓ તથા આશ્રમોમાં ધજારોહણ થયું હતું, અને તે સાથે જ “બમ બમ ભોલેનાથ હર હર મહાદેવ”, “જય જય ગિરનારી” ના જય ઘોષ સાથે મેળાનો પ્રારંભ થયો હતો.
જૂનાગઢના ભવનાથ મેળામાં આ વખતે ઓન પેપર લગભગ અઢીસોથી વધુ ઉતારાઓ નોંધાયા છે. આ સિવાય પણ એટલા જ પ્રમાણમાં અન્ય ઉતારાઓ પણ સેવાભાવી સંસ્થાઓ, લોકો, અને મંદિરના મહંતો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. જે ઉતારા મંડળ અને અન્ન શ્રેત્રનો ગઈકાલે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા તથા તેમના હોદ્દેદારોએ સુદર્શન તળાવ ખાતે સૂર્ય મહાદેવને અને ભગવાનના ગિરનારીને અંજલી અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યા હતા. અને ગઈકાલ સવારથી જ ગરમાગરમ ગાંઠિયા, જલેબી સહિતના નાસ્તાઓ અને જાતજાતના, ભાત ભાતના વ્યંજનોથી ભરપૂર ભોજન પ્રસાદની લાખો લોકોએ લાભ લીધો હતો.આ વર્ષે મેળામાં દેશ-વિદેશમાંથી સંતો, મહંતો, યોગીઓ અને જોગીઓ મોટા પ્રમાણમાં ભવનાથ ખાતે પધાર્યા છે. અને નાગા સાધુઓની સંખ્યાઓ પણ આ વખતે વધુ જણાઈ રહી છે. ત્યારે ભવનાથ મંદિર આસપાસના વિસ્તારમાં નાગા સાધુઓના અખાડાઓ પણ ગઈકાલથી જ પ્રચલિત થઈ જવા પામ્યા હતા. અને અનેક સંતો, મહંતો અને નાગા સાધુઓ દ્વારા જપ, તપ, આરાધના શરૂ કરી દેવામાં આવી હતી તથા અહીં પધારેલા સાધુઓનો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ભવનાથના મેળામાં ભારતીય આશ્રમ નજીક આ વખતે મનોરંજન જોન બનાવવામાં આવ્યું છે. જ્યાં વિવિધ પ્રકારના નાના બાળકોથી લઇને યુવાનોને મનોરંજન પૂરા પાડતા ભાતભાતના જાયન્ટ ચકડોળો અને બાળકો માટે ચકરડી સહિતના સાધનો લગાડવામાં આવ્યા છે. ગઈકાલે મેળાના પ્રથમ દિવસે સાંજના સમયે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા, કલાકો સુધી ચકડોળમાં બેસવા માટે લોકોને રાહ જોઈ લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. તો ગઈકાલે રાત્રિના સમયે ભવનાથ મંદિર સહિતના વિસ્તારોમાં અન્ન ક્ષેત્રમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ભવનાથ ક્ષેત્રમાં હૈયે હૈયુ દળાય તેવી ગિર્દી જણાઈ રહી હતી.