શ્રાવણ માસના દર સોમવારે સવારે 8.30 થી 9.00 દરમિયાન ‘અબતક’ ચેનલ, યુ ટયુબ અને ફેસબુક પર વિશેષ કાર્યક્રમ ‘શ્રાવણ મહિમા’ (વકતા: ઘનશ્યામ ઠકકર) પ્રસારિત થશે
આવતીકાલ અષાઢ વદ અમાસ એટલે દિવાસો અને દિવાસો બાદ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસ શુભ પર્વ અને પ્રસંગોનો પર્યાય છે. શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવતા દરેક ભાવિક-ભક્તોમાં શ્રાવણ માસ ઉજવવાનો અનેરો ઉમંગ છવાય છે.
આ વર્ષે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતા લોકોમાં ઉમંગ બેવડાયો: સૌરાષ્ટ્રભરના અનેક નાના-મોટા શિવમંદિરોમાં લોકો પૂજા-અર્ચના, ધૂન-ભજન કરી ધન્યતા અનુભવશે: શ્રાવણ માસ આવતા બજારોમાં રોનક આવી: કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે જન્માષ્ટમી મેળાઓ બંધ રહેતા લોકો રજાના દિવસોમાં ધાર્મિક, હરવા-ફરવાના સ્થળોએ ઉમટશે
આ વર્ષે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતા લોકોમાં ઉમંગ બેવડાયો છે. શ્રાવણ માસમાં દરેક સોમવારનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉત્તમ માસ એટલે શ્રાવણ માસ અને ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી જે પણ શ્રાવણ માસમાં આવતા લોકોમાં આનંદ-ઉમંગ બેવડાય છે.
હિન્દુ દંતકથા અનુસાર દેવ અને અસુરો વચ્ચેના સંઘર્ષમાં પાણીમાંથી ઝેર નીકળ્યું હતું. ભગવાન શિવએ માનવ જાતિને બચાવવા માટે તમામ ઝેર પી લીધા હતાં. આ ભગવાન શિવએ શ્રાવણ માસમાં કર્યું હતું. તેના શરીરનું તાપમાન નોંધપાત્ર વધ્યું હતું. પછી ભગવાન શિવએ ચંદ્રને તેના પોતાના માથે દાન કરાવ્યો. જેણે તેની ઉષ્ણતામાં ઘટાડો કર્યો અને હિન્દુ દેવોના દંતકથાએ શિવને ગંગાજળ આપવાનું શરૂ કર્યું.
સૌરાષ્ટ્રભરમાં સોમવારથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની હર્ષભેર ઉજવણી થશે. શ્રાવણ માસ તહેવારોનો માસ પણ ગણાતો હોય લોકોમાં દિવસો અગાઉ આનંદ ઉમંગ છલકાતો હોય છે. નાના-મોટાં શહેરો તથા ગામો-ગામ શિવાલયો મંદિરોમાં સોમવારથી ‘હર હર મહાદેવ….’નો નાદ ગુંજશે. શિવમંદિરોમાં ભક્તોની સવારથી જ ભગવાનના દર્શન-પુજન, જળ અભિષેક કરવા લાઇનો લાગશે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ પણ સોમવારથી અને પૂર્ણાહૂતિ પણ સોમવારે થશે. દરેક સોમવારે શિવમંદિરોમાં વિશેષ પૂજા, દિપમાળા, મહાઆરતી સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. શ્રાવણ માસના પ્રારંભે સોમવાર ત્યારબાદ શીતળા સાતમ, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે.
પવિત્ર શ્રાવણ માસમાં રજાના દિવસોમાં અનેક ધાર્મિક, હરવા-ફરવાના સ્થળોએ લોકો ઉમટે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગતા જન્માષ્ટમીના તહેવારોમાં યોજાતા લોકમેળા બંધ રહેતા લોકો મેળાનું મનોરંજન માણી શકશે નહિં. સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શહેરોમાં જન્માષ્ટમી નિમિતે ચાર-પાંચ દિવસના મેળા યોજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી મેળાઓ બંધ રહ્યાં છે. જેથી આ વર્ષે પણ લોકો હરવા-ફરવાના સ્થળો, ધાર્મિક સ્થળોએ ઉમટશે.
શ્રાવણ મહિનો આવતાં બજારમાં પણ રોનક જોવા મળી રહી છે. લોકો નવા કપડાં, બૂટ-ચપ્પલ ખરીદવા નીકળી પડ્યાં છે. રક્ષાબંધન આવતા રાખડીઓની પણ ધૂમ ખરીદી થઇ રહી છે. ઘણા ભાવિકો શ્રાવણ માસમાં એકટાણા કરશે. શ્રાવણ માસમાં ઉપવાસ કરતી વખતે બધા રોગોથી મુક્તિ મેળવવા માટે ઘણા શ્રધ્ધાળુઓ ‘ઓમ નમ: શિવાય’ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. શ્રાવણ માસ આવતા દરેક લોકો પોતાના દુ:ખ દર્દ ભૂલી ધામધૂમથી ઉજવણી કરવા, તહેવારો મનાવવા, હરવા-ફરવાના આયોજનોમાં લાગી ગયાં છે. તો શિવમંદિરોમાં પણ પૂજા-અર્ચના, ધૂન-ભજન સહિતના કાર્યક્રમો યોજાશે.