જૂનાગઢના ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી તથા ભાજપ મહામંત્રી એ વનમંત્રી કિરીટસિંંહ રાણાને રૂબરૂ મળી કરી રજૂઆત
જુનાગઢના ગરવા ગિરનારની છત્ર છાયામાં બિરાજતા જટાશંકર મહાદેવના મંદિરે જવાના રસ્તા પર વન વિભાગ એ પ્રતિબંધ જાહેર કરી ભાવિકોને પ્રવેશની મનાઈ કર્યા બાદ, સ્નાનની પણ મનાઈ ફરમાવીી દેતા ભાવિકજનોમાં ભારે વ્યાપેલ રોષ બાદ જુનાગઢ ભાજપના અગ્રણીઓએ વન મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરતા વન મંત્રીએ જુનાગઢ વન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી ભાવિક ભક્તજનોને જટાશંકર વિસ્તારમાં નાહવા દેવાની છૂટ આપવા સૂચના આપી છે જેને લઈને ભાવિક ભક્તજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
ગિરનારના જંગલ વિસ્તારમાં બિરાજતા જગ વિખ્યાત જટાશંકર જવાનો માર્ગ વન વિભાગ દ્વારા બંધ કરી દેવાયો હોવાની ચર્ચાઓ હતી અને જટાશંકરના દર્શન કરવા આવતા જૂનાગઢના સ્થાનિક લોકો તથા ગુજરાત ભરમાંથી આવતા ભાવિકોને વનવિભાગ દ્વારા જટાશંકર જવા દેવામાં આવતા ન હતાં. તે સાથે જટાશંકર મહાદેવ મંદિરે જવાના રસ્તા પર ભવનાથ નજીક એક બોર્ડ મારી દેવામાં આવ્યું હતું. જેમાં જટાશંકર જવાના માર્ગ પર ચાર માસ સુધી પ્રવેશબંધી કરવામાં આવી હતી.
આ બાબતે જૂનાગઢના રાજકીય, સામાજિક, અગ્રણીઓ સહિત ભાવિક ભક્તજનોમાં ભારે રોષ ભભૂકીયો હતો. અને આ બાબતની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી હતી. તે દરમિયાન ભાજપ સહિતના રાજકીય આગેવાનો દ્વારા વન વિભાગને રજૂઆતો કરાતા વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જટાશંકર દર્શને જવાની છૂટ અપાશે. પરંતુ જંગલ વિસ્તારમાં કોઈને સ્નાન કરવા દેવામાં આવશે નહિ. જો કોઈ વ્યક્તિ સ્નાન કરતા પકડાશે તો વન વિભાગ દ્વારા તેમની સાથે દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
જુનાગઢ વન વિભાગની આ પ્રતિબંધિત જાહેરાતનો ફરી એક વખત જૂનાગઢમાં ઉગ્ર વિરોધ અને નારાજગી સાથે રોષ પ્રગટ્યો હતો. જે બાબતે જુનાગઢ ના ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી તથા જુનાગઢ શહેર ભાજપના મહામંત્રી શૈલેષ દવે ગઈકાલે રાજ્યના વનમંત્રી કિરીટસિંહ રાણા ને મળ્યા હતા અને તમામ બાબતોથી વાકેફ કરતા વન મંત્રી કિરીટસિંહ રાણાએ તાત્કાલિકા વન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી અને શ્રાવણ માસમાં ભાવિકોને વન વિસ્તારમાં નાહવા દેવાની છૂટ આપવા સૂચના આપી હતી.