રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ

દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું છે. દેશના સ્વાભિમાન,આશા અને આકાંક્ષાઓ રજૂ કરતા તિરંગો ફરકાવવો એ હર દેશવાસી માટે ગૌરવ સમાન છે. આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે, આ રાષ્ટ્રધ્વજનું માનસન્માન જળવાય એનો પણ ખ્યાલ રાખવાની આપણા સૌની જવાબદારી છે. ધ્વજ કેવો હોવો જોઇએ ? તેનું માપ કેટલું હોવું જોઈએ ? એ સહિતની બાબતોની એક સંહિતા અમલી છે. તેના વિશે જાણવું રસપ્રદ બની રહેવાની સાથે તેના અમલ કરવામાં સરળતા રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-૨૦૦૨ અમલમાં છે. જેમાં રાષ્ટ્ર ધ્વજ અંગે કેટલીક ચોક્કસ પ્રકારની સંહિતા ઘડી કાઢવામાં આવી છે. રાષ્ટ્રધ્વજનું કદ-માપ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય, ક્ષત થયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થાના નિયમો તેમાં દર્શાવ્યા છે. હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના સમયના નિયમમાં વર્ષ ૨૦૨૨માં ફેરફાર કરવામાં આવ્યો હતો.

હવેથી જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પૂર્વે રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો.

રાષ્ટ્રધ્વજને લંબચોરસ રાખવો ફરજિયાત છે. પણ, તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ ૩ અને ૨ના ગુણાંકમાં રાખવું પડે છે. જાહેર કે ઘરની મોભેદાર સ્થાન ઉપર ધ્વજ ફર ફરકાવવાનો રહે છે. ક્ષત એટલે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઇએ. રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો, એટલે તેની સાથે બીજો કોઇ ધ્વજ લહેરાવી શકાય નહીં. એક લાઇનમાં એક કરતા વધારે ધ્વજ ફરાવવામાં આવ્યો હોય તેવા સમયે તિરંગોથી ઉંચે રહે એવી રીતે કોઇ અન્ય ધ્વજ ફરાવી શકાતો નથી.નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશિન દ્વારા કોટન, પોલીએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં ૨૦૨૧માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલીએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે.

રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથરૂમાલ, નેપકીન સહિતના કોઇ પણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી. કોઇ પણ વસ્તુને વિટાંળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે.

ક્ષત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નથી. તેનો સન્માન સાથે યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ. આ નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પૂરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સૌ દેશવાસીઓને આહ્વાન છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.