દરેક ઘરો, દુકાનો, શાળાઓ, કચેરીઓ, સંસ્થાઓ ખાનગી કચેરીઓ, જાહેર સ્થળો સહિત સર્વત્ર અને ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવશે: 15 ઓગસ્ટ સુધી અભિયાન ચલાવાશે
ઑગસ્ટ મહિનો ભારતીય સ્વતંત્રતાના સંદર્ભમાં ક્રાંતિનો મહિનો ગણાય છે. સારો વરસાદ, ખેતરોમાં હરિયાળી, વિવિધ તહેવારોની ઉજવણી, અને વાદળછાયું વાતાવરણ આ મહિનાને અનોખો બનાવે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાનું આયોજન ઘડાયું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ તિરંગા અભિયાન જુલાઈથી શરૂ કરવામાં આવનાર છે.
આ વર્ષનો આગામી ઓગષ્ટનો મહિનો દેશભક્તિની ભાવનાથી પણ તરબતર બને એવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેના હેઠળ જુલાઈથી 15 ઓગસ્ટ સુધી સમસ્ત ગુજરાતમાં હર ઘર તિરંગા ઉત્સવ યોજવામાં આવનાર છે જેના પગલે આઝાદીના અમૃત પર્વની ઉજવણી યાદગાર બની જશે અને સર્વત્ર લહેરાતા રાષ્ટ્ર ધ્વજ થી દેશભક્તિની ભાવના અને જુવાળનો અપૂર્વ માહોલ રાજ્યમાં પ્રસરી જશે.
તિરંગા ઉત્સવના સંદર્ભમાં હાલમાં 2002ના ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ પ્રમાણે નિર્ધારિત માપ અને મટીરીયલના રાષ્ટ્ર ધ્વજ મોટા પાયે સિવડાવવા, પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકે તે રીતે ધ્વજનું વેચાણ, વિતરણ કરવું, આ કામમાં ખાદી સંસ્થાઓનો સહયોગ લેવો, લોકો આઝાદી માટેની સંઘર્ષ ગાથાથી વાકેફ થાય તે માટે પ્રભાત ફરી અને ચર્ચા સત્રો યોજવા જેવા આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી રહી છે.
રાજ્યના તમામ ઘરો, દુકાનો, શાળાઓ, કચેરીઓ, સંસ્થાઓ ખાનગી કચેરીઓ, જાહેર સ્થળો સહિત સર્વત્ર અને ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે અને રાજ્ય તિરંગામય બની જાય એવી અપેક્ષા રાખવામાં આવી છે.
4 જુલાઈથી વંદે ગુજરાત યાત્રા પણ શરૂ કરાશે
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આગામી 4 જુલાઇથી જિલ્લા કક્ષાએ ’વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં 80 જેટલા રથ તૈયાર કરાયા છે. આ તમામ રથ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના 10 ગામોમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લાઓમાં 10 ગામોનું કલસ્ટર બનાવીને રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે. 15 દિવસ યોજાનારી આ યાત્રામાં ઝોન મુજબ વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે.આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ મંત્રીમંડળના સભ્યો, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ કરશે. જ્યારે સ્થાનિક કક્ષાએ સમગ્ર યાત્રાનુ સંકલન જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે.
રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યો તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા બે કરોડની ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા 86 કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.