‘વાર તહેવારની રોનક સ્ત્રી, ઘરમાં તુલસીનું આંગણુ સ્ત્રી’ આજનો દિવસ મહિલાઓને સમર્પિત
૮મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી ઠેર-ઠેર થઈ રહી છે ત્યારે શહેરમાં પણ મહિલા દિવસ નિમિતે શહેર કોંગ્રેસ કોર્પોરેટર વોર્ડ નં.૧૨ વિજયભાઈ વાંક દ્વારા શહેર સિવિલ હોસ્પિટલમાં જનાના વિભાગમાં તથા શહેરની અન્ય હોસ્પિટલોમાં આજરોજ જન્મેલી બાળકીઓને સોનાની ચુંક આપી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.
વિશ્વ મહિલા દિન વર્તમાન સમયમાં મહિલાઓ પણ હર એક ક્ષેત્રોમાં અગમ્ય સ્થાન ધરાવે છે ત્યારે શહેરમાં પણ વિશ્વ મહિલા દિન ઉજવણીઓ કરવામાં આવે છે ત્યારે શહેરના વોર્ડ નં.૧૨ના પ્રમુખ વિજયભાઈ વાંક અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ જ રીતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.
મહિલાઓ માટે ઠેર-ઠેર અભિનંદન વર્ષી રહ્યા છે ત્યારે કોર્પોરેટર અને કોંગ્રેસ કાર્યકર્તા વિજયભાઈ વાંકે છેલ્લા ઘણા સમયથી શહેરની જનાના હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં જઈ ૮મી માર્ચે એટલે કે વિશ્વમહિલા દિન નિમિતે જન્મેલી ફુલ જેવી બાળકીઓ પાસે જઈ તેમને ગુલાબનું ફુલ આપી અને બાળકીઓને સોનાની ચુંક આપી મહિલા દિનની ઉજવણી કરી હતી.
ગત વર્ષ ૨૦૧૮માં વિશ્વ મહિલા દિન નિમિતે વિજયભાઈ વાંક અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ૪૨ જેટલી જન્મેલી કુમળી બાળકીઓને ગુલાબ અને સોનાની ચુંક આપી હતી. જયારે આજરોજ પણ શહેરની સિવિલ હોસ્પિટલ જનાના વિભાગમાં જઈ રાત્રે ૧૨ વાગ્યા પછી જન્મેલી બાળકીઓ અને રાત્રે ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાકમાં કોઈપણ બાળકીનો જન્મ થશે તેવી બાળકીઓને વિજયભાઈ વાંક દ્વારા ગુલાબ અર્પણ કરી સોનાની ચુક આપી બાળકી અને તેમની માતાઓની ખુશીમાં વધારો કર્યો હતો.
ભગવાન અને ઋષીમુનીને પણ જન્મ આપનારી એક મહિલા હતી. દાતાર હોય કે શુરવીર હોય કોઈપણ વ્યકિતને જન્મ આપનારી મહિલા હતી. મહિલા દિવસ નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગત વર્ષે પણ આ કાર્યક્રમ યોજયો હતો. આ વર્ષે પણ વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે જયાં પણ રાજકોટ શહેરમાં પ્રાઈવેટ તેમજ સિવિલ હોસ્પિટલમાં જયાં પણ લક્ષ્મીજીનો જન્મ થયો હોય ત્યાં અમે સોનાની ચુક આપીને દિકરીને વધાવેલ છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ અમે ચાલુ રાખવાના છીએ. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમો કરીએ છીએ અને દિકરીઓને ખરાઅર્થમાં વધાવીએ છીએ.
આજે વિશ્વ મહિલા દિવસ છે એમ કહી શકાય કે નારી જે કરી શકે છે એ કરવાની વિશ્ર્વમાં કોઈનામાં તાકાત નથી. ભગવાનને પણ નારી સામે નમવુ પડયું હતું. નારીનું મહત્વ એટલું છે કે મહિલા ધારે તે કરી શકે મહિલા કરી શકે એ દુનિયામાં કોઈ ન કરી શકે. આજે મહિલા દિવસ છે પરંતુ હું એમ કહુ છું કે કાયમી માટે મહિલા દિવસ જ કહેવાય. આજના દિવસમાં જે જે બાળકીઓનો જન્મ થયો છે એને ખુબ ખુબ શુભેચ્છાઓ આપી છીએ.
જે મહિલા આગળ આવી ભણે-ગણે કોઈપણ પરિસ્થિતિને એકલી સામનો કરી શકે એવું અમે દિકરીઓને કહીએ છીએ કે કંઈક એવું કરીએ કે જેથી મહિલા શું કરી શકે તે સમાજને ખબર પડે. એક મહિલા જ મહિલાની તાકાત બતાવશે તો દુનિયામાં મહિલાની તાકાત કોઈ દબાવી નહીં શકે. મહિલા દિવસ નિમિતે અમે બધા મહિલાઓ મળીને વધુને વધુ મહિલાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવાનો વિચાર છે.