સ્ત્રીના બહું બધા રુપ છે – માં-બા, બહેન, દિકરી, પત્નિ, ભાભી, સાળી, નણંદ, જેઠાણી, દેરાણી અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ – પ્રેમિકા. કોઇ રહી ગઇ હોય તો યાદ દેવડાવ જો….મહા કવિ નર્મદનું એક વાકય વાંચવામાં આવેલું કે ‘‘ સ્ત્રી વિનાનો સંસાર ભૂખ્યા વરુઓ વાળા જંગલ જેવો છે.’’ વાત ગળે ઊતરે એવી છે. તમે જરા કલ્પના કરી જૂઓ. બધે હનુમાન જ હનુમાન (ધાર્મિક લાગણીઓ દુભાવવાનો મારો કોઇ ઇરાદો નથી) બીજુ એક ઊદાહરણ. છોકરાઓનો આખો વર્ગ મસ્તી કરી રહયો છે ને એક છોકરીની એન્ટ્રી પડે કે તરત જ હમધોએ વર્ગ શિસ્તબધ્ધ ગોઠવાઇ જાય.
વાત કરવી છે સ્ત્રીના સન્માનની, એની લાગણીઓની એના ત્યાગની એના પ્રેમની એના ઉત્સાહની. અને તેમ છતાં સમાજ દ્વારા થતાં તેના પ્રત્યેના ઓરમાયા વર્તનની તેના અપમાનની . આમ તો સ્ત્રીએ પુરુષ સમોવડા થવાની જરુર જ નથી. જન્મ આપવાનો અધિકાર ભગવાને સ્ત્રીઓને આપ્યો છે તો આપો આપ જ એ ભગવાન ની નજીક ગણાઇ જાય અટલે જ કહું છું કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સરખામણી યોગ્ય જ નથી. પણ ‘‘ અમે પણ બધુ કરી શકીએ’’ ના સિધ્ધાંતને વળગી રહી ખૂબ બધુ ખોઇ દીધું છે. એવી એવી જગ્યાએ આજે સ્ત્રીઓ જોવા મળે છે જયાં મને એમ થાય છે કે સ્ત્રીઓ આ ક્ષેત્રમાં શું કરી રહી છે ? જેમ કે જેમને કુદરતે પ્રેમ અને વહાલનો દરીયો બનાવી છે તે બોર્ડર પર લડી રહી છે, આમ તો તમે એમની કુદરતી તાકાતને મારી રહયા છો. પણ પછી એમ પણ થાય કે આમા સ્ત્રીઓ કરતાં સમાજનો દોષ વધારે છે. જેમણે એમને મજબૂર કરી દીધી છે, પોતના અસ્તિત્વને સાબીત કરવા માટે અને સ્ત્રીઓએ સાબીત કરી પણ બતાવ્યું છે જેમ કે જેટલા પણ અયોગ્ય ક્ષેત્રોમાં સ્ત્રી હોદ્દા પર આવે એટલે ત્યાં યોગ્યતા આવવા લાગે છે.
(અપવાદ રુપે પુરુષ સમોવડી થવામાં પુરુષ જેવી જ થઇ ગયેલી સ્ત્રીઓ આવી જાય ) આમ તો રામરાજ્યમાં માતા સીતાને અગ્નિપરીક્ષા પછી પણ વનમાં જવું પડયું હતું અને મહાભારતના સમયમાં માહા શક્તિશાળી પુરુષોની પત્નિ અને પૌત્રવધૂ હોવા છતાં દ્રોપદીના ચિરહરણ થયા હતાં. ભલુ થાય કાનુડાનું કે એ સમયસર પહોંચી ગયા નહી તો પુરુષજાત આજ સુધી એ કલંક માથે લઇને ફરી રહી હોત. તુલસીદાસના એક વચનથી ખ્યાલ આવે કે તે સમયે સ્ત્રીઓની હાલત કેવી હતી – ઢોલ,ગવાર,શુદ્ર,પશુ,નારી યે સબ તાડન કે અધિકારી (તાડન એટલે માર). એટલે સ્ત્રીના સન્માનને ઠેસ પહોંચાડવાનું કામ સદીઓથી ચાલતું આવ્યું છે. પણ પછીના સમયમાં સુધારક જનમ્યા જેમ કે કવિશ્વર નર્મદએ કરેલી સ્ત્રીઓની કેળવણીની વાત હોય કે રાજા રામ મોહનરાય એ કરેલ સતીપ્રથા નાબૂદીનો કાયદો કે પછી જેમને આપણે સદીઓથી કોસતા આવ્યા છીએ તે અંગ્રેજોનો સ્ત્રીઓને શાળામાં ભણાવવાનો નિર્ણય હોય કે બાળ લગ્નનાબૂદીનો સરકારનો નિર્ણય હોય કે આવા કંઇ કેટલાય સ્ત્રીની તરફેણમાં બનેલા કાયાદા હોય આ બધા જ નિર્ણયો સ્ત્રીઓના વ્યક્તિત્વને સુધારવાના હતાં અને આજની તારીખે આ નિર્ણય યોગ્ય સાબિત થતાં લાગી રહયાં છે પરંતુ પૂરતાં નથી. જતે દિવસે ખબરો આવતી રહે છે. રાતના ૮ વાગ્યા પછી જો છોકરી ઘરેના આવે તો ચિંતા થવી શરુ થઇ જાય છે. આપણે કયારે એવા સમાજનું નિર્માણ કરી શકીશું કે જેમા છોકરી બહાર ગઇ હોય તો પણ તેના મા-બાપ શાંતિથી ઘરે સૂઇ શકશે ? ? ? ? ?
બીજુ એક ખાસ ધ્યાન દોરવા જેવી બાબત એ છે કે જયારે કોઇ બે ભાઇ માણસ લડાઇ કરતાં હોય એટલે તમારે સમજી જવાનું કે હવે મા-બેન વચ્ચે આવશે હવે એ બિચારીઓ તો જાણે કયાં ઘરે તમારા જ કામ કરવાં રોકાયેલી હશે વગર વાંકે બંને તરફની મા અને બહેનોની ફજેતી સરેઆમ રસ્તા પર થતી જોવા મળે અને આજુ બાજુના લોકો પણ જાણે મોરારી બાપૂ કથા કરતાં હોય એમ સાંભળવામાં અને મજા લેવામાં તલપાપડ થઇ જાય છે .જાણે એમનીતો મા-બેન જ ના હોય. એક મૂવી આવી વચ્ચે ‘પાર્ચડ’ જે એની નગ્નતાને લીધે વધારે વખાણવામાં આવી (આજના સમાજને જોતાં આ બાબતે મને કંઇ નવિનતા ન લાગી) હા તો એ મૂવીનું એક સીન છે જેમા ત્રણ બહેનપણી વાતો કરતા કરતા એવો વિચાર રજૂ કરે છે કે બધી ગાળો આપણાં પર જ બની છે આજે પુરુષો પર ગાળો બનાવીએ અને પછીના સીન માં એ ત્રણેય છોકરીઓ બાપ-ભાઇ વરોણી ગાળો ચિલ્લાઇ–ચિલ્લાઇ બોલી રહી છે અને પછીના સીનમાં જાણે આજ સુધીની સ્ત્રીઓને મળેલી ગાળોના બોજાને વસૂલી સાથે પાછો આપ્યો હોય તેવી ખુશીની લાગણી તેમના ચેહરા પર જોવા મળી. મને એમ થાય કે સ્ત્રીઓના સન્માનને આ રીતે જ ફૂટબોલના દડાની જેમ ઉછાળતા રહેવાશે તો આ મૂવીનું આ સીન સાચું પડતાં વાર લાગશે નહી.
અંતે બસ એટલુ જ કહેવા માંગુ છું કે જયાં સુધી આ સમાજ અને એના લોકો સ્ત્રીના સમ્માન વિશે ફક્ત દેવીમાતાઓના જયકારા બોલાવી સંતોષ માનતા રહેશે ત્યાં સુધી કોઇ જ સુધાર મોટે પાયે શકય નથી. પોતાની છોકરીને ઘરેથી બહાર જતી વખતે ‘‘ ધ્યાન રાખજે છોકરી જાતને બધું સાચવવું પડે ’’ એમ કહતાં કુટુંબીજનો જો છોકરાને જ સ્ત્રી જાતીનું સમ્માન કરતાં શીખવતાં થશે ત્યારે સાચાં અર્થમાં વુમન્સ ડે હેપ્પી થાય.