મીઠાં મધુને મીઠાં મેહુલાં રે લોલ.. એથી મીઠી તે મોરી માત રે..જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…
માત્ર મનુષ્ય જાતિ જ નહીં દરેક જીવો માટે ર્માંનો ફાળો અમુલ્ય છે: ર્માં અને તેના ઉપકારોનો અનેક વિધ્વાન ચિંતકો, સાહિત્યકારો, લેખકોએ અનેરો મહિમા વર્ણવ્યો છે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ… માતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. ગર્ભાવસ્થાથી લઈને જિંદગીભર પોતાના સંતાનને સુખ આપનારી માતા ભગવાન કરતા પણ ઉપરનું સ્થાન ધરાવે છે. ર્માંનુ ઋણ જેટલું ચૂકવીએ તેટલું ઓછું છે. જિંદગીભર સંતાનને સાથ આપનારી, સુખ-દુ:ખમાં ભાગીદાર બનનારી જે એક વ્યક્તિ છે તે માતા કયારેય પોતાના દીકરા-દીકરીને તેનાથી અલગ કરતી નથી.
લૂલી-લંગડી, આંધળી ગમે તેવી હોય પણ એક માતા પોતાના બાળક માટે કંઈ પણ કરી છૂટવા હરહંમેશ તૈયાર હોય છે. દરેક યશોદા પોતાના કાના માટે વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતે દુ:ખ વેઠી બાળકને સુખ આપે છે ત્યારે આવતીકાલે દુનિયાભરમાં ‘મધર ડે’ની ઉજવણી થશે. જિંદગીભર સાથ આપનારી માતાનું ઋણ ચૂકવવા માત્ર એક દિવસ પુરતો નથી. માતાનું ઋણ તો જન્મોજન્મ ચૂકવવાનું હોય છે.
માત્ર મનુષ્ય જાતિમાં જ નહીં પરંતુ દરેક જીવો માટે ર્માં ની ફાળો અમુલ્ય છે. ચકલી પણ પોતાના બચ્ચાના મોં માં દાણો મુકે છે તો ગાયનો પણ પોતાના વાછરડા પ્રત્યે અજોડ પ્રેમ હોય છે. ર્માં અને તેના ઉપકારો વિશે વિદ્વાન ચિંતકો, લેખકો, સાહિત્યકારો, કવિઓ સહિત અનેક લોકોએ ર્માં નો અનેરો મહિમા વર્ણવ્યો છે.
માતા એ ગુરૂના સ્થાન પર હોય છે, માતા જે શીખવે એ જ બાળક શીખતું હોય છે
– મધર્સ ડે નિમિત્તે સદ્ભાવના વૃદ્ધાશ્રમના દરેક બહેનોએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મધર્સ ડે વિશે વાતો કરી હતી. આ તકે મીનાબેને જણાવ્યું હતું કે, માતા એ ગુરૂના સ્થાન પર હોય છે, માતા જે શીખવે એ જ બાળક શીખતું હોય છે. સ્કૂલમાં તો બાળક પછી જાય પણ પહેલાં જે માતા શીખવે એ જ બાળકો શીખતું હોય છે. એટલે માતાનું સ્થાન તો ગુરૂથી પણ ઉંચુ છે, માતાને સંતાન પ્રત્યે માત્ર એ જ અપેક્ષા હોય છે કે સંતાન એનું ઘડપણ પાળશે, બાળકોને બાળપણથી મોટા કર્યા હોય એટલે એની પાછલી જીંદગી સારી જાય તેવું ઈચ્છતા હોય છે.
– મારે સંતાનમાં પુત્રી છે તે નાની હતી ત્યારથી અમે ફ્રેન્ડ તરીકે રહેતા હતા. એ બધી જ વાત મારી સાથે શેયર કરે, હું તેની સાથે શેયર કરું, એની મરજી હું પુરી કરે મારી મરજી હોય એ તે પુરી કરે, મારી પરિસ્થિતિ સારી નોતી એટલે મારી બેબીએ એવી કોઈ જીદ કરી જ નથી.
મારૂ ફકત દરેકને એ જ કહેવું છે કે, તેઓ એટલે કે બધા સંતાનો પોતાના માતા-પિતાને સરખી રીતે રાખે અને સાચવે. દરેક માતા-પિતાની એ જ અપેક્ષા હોય કે તેઓ મોટા થશે તો માતા-પિતાનું ઘડપણ સાચવશે તો દરેક સંતાને તેમના માતા-પિતાની અપેક્ષા પુરી કરવી જોઈએ.
– આ તકે સરલાબેને જણાવ્યું હતું કે, માં-દિકરો અમે સારી રીતે જ રહેતા હતા પણ અમે અહીંયા પાંચ વર્ષથી આવી ગયા છીએ, મને મારા દિકરાની ખૂબ જ યાદ આવે છે અને અમે ઈચ્છીએ છીએ કે તે સુખી રહે. આમ તો અમારે કોઈ પ્રોબ્લમ કે તકલીફ નથી બસ એટલું જ કે તેઓ સુખીથી જીવે, મને ત્રણ-ચાર દિવસે એના ફોન આવે પણ મળવા નથી આવ્યા.
– આ તકે કોકિલાબેને જણાવ્યું હતું કે મને અહીં સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં ખૂબ જ ગમે છે અને મજા આવે છે. મને મારી દિકરી ખૂબ જ યાદ આવે છે, મારી દિકરી મને મળવા પણ આવે છે અને મારી સાથે વાત પણ કરે છે. મારી દિકરી સાસરે ખુશ છે અને હું પણ અહીંયા ખૂબ જ ખુશ છું.
જન્મદાત્રી મારી માતાનો જીવનભર આભાર
અબતક સાથેની મુલાકાતમાં એવીપીટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓએ વાત કરતા તેમણે મધર્સ ડે વિશે તેઓ કઈ રીતે સેલિબ્રેટ કરે છે તે જણાવ્યું હતું. આ તકે ફોરમ ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે, મારા મતે મમ્મી માટ કોઈ સ્પેશિયલ દિવસ ના હોવો જોઈએ કે આજે મધર્સ ડે છે તો હું મારા મમ્મીને થેંકયું મમ્મી કહું અથવા તો ગીફટ આપું.
આપણે હંમેશા આપણા મમ્મી માટે થેન્કફુલ રહ્યાં છીએ. કારણ કે આપણે હેલ્પ નથી માંગતા છતાં પણ બધાં જ સ્ટેજમાં આપણને હેલ્પ કરે છે. આપણે ઘણી વખત આપણા ફ્રેન્ડઝને સરપ્રાઈઝ ગીફટ આપીએ છીએ પરંતુ આ બધી વસ્તુ કયારેક કયારેક આપણા મમ્મી માટે પણ કરવું જોઈએ જેથી કરીને તેની રૂટીન લાઈફમાંથી એ હેપ્પી થઈ શકે.
આ તકે વિદ્યાર્થીની ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, હું મારા મમ્મીને મદદરૂપ થઉં જ છું પણ ક્યારેક ભણવાનું વધારે હોય તો મમ્મી કરી લે છે. અમુકવાર મમ્મીને કંઈક શીખવું હોય તો એમાં પણ અમે હેલ્પ કરીએ છીએ. મમ્મીની આપણે વેલ્યુ પણ કરવી જોઈએ, મમ્મીને હેલ્પ પણ કરવી જોઈએ અને મમ્મી કંઈક કહેતા હોય ત્યારે બે મીનીટ આપણે સાંભળી લેવું જોઈએ.
મેં તો મારી ફરજ અદા કરીને બાળકને જન્મ આપ્યો છે
‘અબતક’ સાથેની વાતચીત દ્વારા વનીતા વાઘેલાએ જણાવ્યું હતું કે મેરેજ ને બે વર્ષ થયા અને ૧૨ દિવસનો દિકરો છે. ત્યારે દાદા-દાદી અને નાના-નાની ખુબજ ખૂશ છે. જયારે પ્રેગ્નેટ હતા ત્યારે પતિ અને દાદા-દાદીએ ખૂબ જ સારી સંભાળ લીધી હતી ત્યારબાદ બાળકના ભવિષ્ય માટે એમને જે ઈચ્છા હશે તેમાં તેમને આગળ વધારશું. નાનુ બાળક છે બધશ જ લોકોને ખૂબજ લાગણી છે અને આખો દિવસ તેમને રમાડવામાં જ નીકળી જાય છે.
બધા બહું જ ખુશ છે. ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શિલ્પાબેન અમિપરાએ જણાવ્યું હતું કે, મારા લગ્નના દસ વર્ષ બાદ મને આજે સંતાન પ્રાપ્તિ થઈ છે ત્યારે આ અહેસાસ ખૂબ જ સુંદર છે. જયારે મને હું પ્રેગ્નેટ છું તેની ખબર પડી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી, મેં મારા બાળક માટે અનેક સપના જોયા છે અને હું મારા બાળકને એ જયારે મોટો થાય ત્યારે તે દેશ માટેના કાર્યો કરે તે દિશામાં આગળ વધે તેવી હું આશા રાખું છું, મારા પ્રેગ્નન્સી મારા પતિ તથા પરિવારને ખબર પડી ત્યારે બધા ખૂબ ખુશ છે કારણ કે દસ વર્ષ પછી આ ખુશી મળી હતી. મારા પરિવારજનોને દિકરો કે દિકરી નહીં પરંતુ સંતાન જોતુ હતું.
માતા એક સંતાનને જન્મ આપે છે ત્યારે તેમને સ્વર્ગનું એક સૌથી મોટુ સુખ મળે છે
‘અબતક’ સાથેની વાતચીતમાં (બાળરોગ નિષ્ણાંત) ડો.સ્વાતી પોપટએ મધર્સ ડે અંતર્ગત ખાસ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, મધર્સ ડે એ એક ખુબ જ મહત્વનો દિવસ છે. જયારે માતા એક સંતાનને જન્મ આપે છે ત્યારે સ્વર્ગનું એક સૌથી મોટુ સુખ મળેલું છે ત્યારે બાળક કેવું થશે બાળકને કેવું બનાવું છે એવી કેટલી કેટલી આસાઓ હોય છે ત્યારે બાળ ઉછેરમાં માતાનો સૌથી મહત્વનો ભાગ હોય છે.
ત્યારબાદ બાળક સ્કૂલમાં જતો હોય, ઘરે હોય ઈત્તર પ્રવૃતિ કરતા હોય અથવા કોઈ પણ કાર્યમાં ઉતીર્ણ હોય તો માતાએ માનથી કહી શકે છે કે આ મારું બાળક. ઘણી વખત પહેલીવાર બાળકનો જન્મ થાય છે ત્યારે માતાને ઘણા નાના-નાના પ્રશ્નો સામે આવતા હોય છે ત્યારે આ બધી જ બાબતમાં વૈજ્ઞાનિક ઢબે તેમની સાર સંભાળ લેવી એ હીતાવહ છે.
માતૃત્વ ઝંખતી મહિલાઓ માતૃત્વ મેળવીને જાય એવો એક માત્ર ઉદેશ
વીગ્સ્ આઈ.વી.એફ.ના ગાયનોકોલોજીસ્ટ ડો.સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, અમારું કામ વંધ્યત્વ નિવારણ માટેનો છે. એટલે સ્વાભાવીક છે કે જે લોકોને બાળકો નથી કે માતૃત્વ મળ્યુ નથી એવા લોકો માતૃત્વ મેળવે એવો અમારો લક્ષ્ય છે. દરેક માતૃત્વ ઝંખતા મહિલાઓ અહીંથી માતૃત્વ મેળવીને જાય એવો એક માત્ર ઉદ્દેશ્ય છે. અત્યાર સુધીમાં ૧૨૦૦ જેટલા બહેનોને વિગ્સ આઈ.વી.એફ.ના માધ્યમથી માતૃત્વ મળ્યું છે.
માતૃત્વમાં બહેનોની મહત્વકાંક્ષા હોય છે. આપણી સમાજ વ્યવસ્થા એવી બનેલી છે કે જેમાં જે બહેનોને માતૃત્વ નથી મળ્યું એ બહેનો નિરાશા અનુભવે છે તેથી તેઓ એક આશા લઈને અમારી પાસે આવતા હોય છે એ નિરાશામાંથી તેઓ આશા રાખીને બાળક મેળવે છે તો એનો અદ્ભૂત આનંદ હોય છે. અમારી તબીબી પ્રેકટીસમાં ઘણી બધી પ્રેકટીસ શકાય છે. જેમાંની વંધ્યત્વ નિવારણ માટેની પ્રેક્ટિસમાં કામ કર્યાનો સંતોષ અને દર્દીઓના આશિર્વાદ મળે એનો કોઈ વર્ણન થઈ શકે એવું નથી. આપણા સમાજમાં વંધ્યત્વ એ અભિશાપ છે. માતૃત્વની ઝંખના દરેક બહેનોની હોય છે.
જામનગર ‘અનામી પારણુ’ સંસ્થા દ્વારા અનોખી સેવા
જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થા સંચાલિત અનામી પારણું નામની બાળકો માટે આ સેવાનો પ્રારંભ કરાયો છે. અનામી પારણુ એક એવી સેવા છે જેમાં તાજા જન્મેલા નવજાત શિશુ કે જેમનો ત્યાગ કરવામાં આવ્યો હોય તેવા બાળકો આ અનામી પારણામાં જો કોઈ મુકી જાય તો સંસ્થા તેનું પાલન પોષણ કરે છે અને આ નવજાતને નવું જીવન આપે છે.
આ પ્રકારના બનાવો માટે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવજાત શિશુ આ પ્રકારે તરછોડાયેલી સ્થિતિમાં મળી આવે તો તેમની સુરક્ષા તેમજ પાલન પોષણ માટે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત અનામી પારણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અનામી પારણું જામનગરમાં પટેલ કોલોની વિસ્તારના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે આવેલું છે જયાં કોઈપણ વ્યક્તિ ત્યાં રાખેલા પારણામાં મુકાયેલા એ બાળક માટે સંસ્થા ૨૪ કલાક કાર્યરત છે જેમાં બાળકની સુરક્ષા તેનું પાલન પોષણ અને ભારત સરકારના નિયમો મુજબ બાળકના વાલી વારસ શોધવા તથા જોઈ કોઈ વાલી વારસ ન મળે તો નિયમો અનુસાર બાળકને દત્તક આપવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.