ગ્રેનેડા અને અમેરિકાની સંધીના કારણે ઈ-૨ વિઝા મેળવવામાં રહેતી સરળતાનો લાભ લેવા ધનવાનોની પડાપડી
અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ છે ત્યારે અધુરામાં પૂરું તાજેતરમાં ઈમીગ્રન્ટ ઈન્વેસ્ટર વિઝા ગણાતા ઈબી-૫ વિઝા વધુ મોંઘા બનવા જઈ રહ્યાં છે. આવા સંજોગોમાં ભારતના સુખી સંપન્ન લોકોએ અમેરિકા જવા કેરેબીયન ટાપુ જેવા દેશ ગ્રેનેડાનો શોર્ટકટ અપનાવ્યો છે. ઈમીગ્રેડ ઈન્વેસ્ટર પ્રોગ્રામ અંતર્ગત ઈબી-૫ માટે વર્ષ ૨૦૧૯ના નવેમ્બર મહિનાથી ૯ લાખ ડોલરનું મુડી રોકાણ જરૂરી બન્યું છે. અગાઉ આ આંકડો ૫ લાખ ડોલરનો હતો. આ ઉપરાંત ટાર્ગેટેડ એમ્પલોઈમેન્ટ એરીયા (ટીઈએ) માટેની મર્યાદા પણ ૧ મીલીયન ડોલરથી ૧.૮ મીલીયન ડોલર વધારાઈ છે. આ ઉપરાંત ગ્રીન કાર્ડ માટે સમય પણ લાગતો હતો. જો કે, હવે ગ્રેનેડામાં રોકાણ કરી ધનવાન ભારતીયો તુરંત અમેરિકાનું ગ્રીન કાર્ડ લેવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
ગ્રેનેડા દ્વારા વર્તમાન સમયે સીટીઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ (સીબીઆઈ) પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં અરજકર્તાએ ગ્રેનેડાના રીયલ એસ્ટેટ પ્રોજેકટમાં ૨,૨૦,૦૦૦ ડોલરનું રોકાણ કરવાનું રહે છે. આ રોકાણ બાદ ટૂંક સમયમાં ગ્રેનેડાનું નાગરિકત્વ મળી જાય છે. ગ્રેનેડા અને અમેરિકા વચ્ચે ઈ-૨ વિઝા માટેની સંધી છે. જેના હેઠળ ગ્રેનેડાના નાગરિકને ૩ મહિનાની અંદર અમેરિકાનું નાગરિકત્વ મળે છે. ઈ-૨ વિઝા અંતર્ગત ગ્રેનેડાના નાગરિકને અમેરિકામાં ૧,૫૦,૦૦૦ ડોલરનું લઘુતમ મુડી રોકાણ કરવું પડે છે. વર્ષ ૨૦૧૮માં આ પ્રકારના ૪૦,૦૦૦ વિઝા અમેરિકાએ આપ્યા હતા.
સામાન્ય રીતે ગ્રેનેડાનું નાગરિકત્વ મેળવતા ૯૦ દિવસ અને ત્યારબાદ અમેરિકાના ઈ-૨ વિઝા મેળવતા ૯૦ દિવસ જેવો સમય લાગતો હોય છે. આ ઉપરાંત આ પ્રક્રિયા પણ સરળ જેવી હોવાથી મોટાભાગના ધનવાન ભારતીય અને એનઆરઆઈ ગ્રેનેડા થઈ અમેરિકામાં સ્થાઈ થઈ પસંદ કરવા લાગ્યા છે. આ ઉપરાંત ગ્રેનેડા અને અમેરિકાની સંધી ઈ-૨ વિઝા ધરાવતા હોય તેના પતિ અવા પત્નીને કામ કરવાની પણ છૂટ મળે છે. માટે વર્તમાન સમયે હવે ગ્રેનેડાનું સીટીઝન લેવાનો ક્રેઝ ધનવાનોમાં વધ્યો છે. નોંધનીય છે કે, ગ્રેનેડાની ૧૪૦ દેશો સાથે સંધી છે. જેના હેઠળ યુકે અને યુરોપીયન યુનિયન સહિતના સ્થળોએ ગ્રેનેડાનો નાગરિકો વિઝા ફ્રી અવર-જવર કરી શકે છે.
અગાઉ વાયા સાયપ્રસ થઈને અમેરિકા જવા પ્રયાસ થતો’તો
ભૂતકાળમાં અમેરિકાનું નાગરિકત્વ સરળતાથી મેળવવા માટે સાયપ્રસનો રૂટ લેવાતો હતો. સાયપ્રસમાં પણ ગ્રેનેડાની જેમ વિઝા માટેનો પ્રોગ્રામ ચાલતો હતો. જો કે, ત્યારબાદ સાયપ્રસ અને અમેરિકા વચ્ચેના નિયમો કડક થતાં આ રૂટને પડતો મુકાયો હતો. આવી રીતે તુર્કી થઈને પણ અમેરિકા જવાનું ચલણ ધનવાનોમાં વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.