29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે:
રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં 9 નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી વેકેશનની તારીખ અનુસાર જ પ્રાથમિકમાં તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે દિવાળી વેકેશન રાખી શકાય. આ વર્ષે પણ પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે 9 નવેમ્બરથી વેકેશનનો પ્રારંભ થશે અને 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતા એકેડેમિક કેલેન્ડર અનુસાર જ પ્રાથમિક સ્કૂલોમાં પણ દિવાળી વેકેશન નિયત કરવામાં આવે છે. જે અનુસાર, આ વર્ષે પણ શિક્ષણ બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલી તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન 9 નવેમ્બર, 2023થી 29 નવેમ્બર, 2023 સુધી કુલ 21 દિવસનું નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર મોકલી જાણ કરી છે. વેકેશનને લઈને જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને સુચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીઓએ પ્રાથમિક શિક્ષણ નિયામકના પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.