ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ એટલે દીપાવલી. રોશની અને ઝગમગાટ નો પર્વ દીપાવલી આસો મહિનાની અમાસને દિવસે ઉજવાય છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ કે હારમાળા, દીવાઓની હારમાળા ને દીપાવલી કહેવાય છે.
દીપાવલીના દિવસે ધનની દેવી માં લક્ષ્મી સમુદ્ર મંથન સમયે પ્રગટ થયા હોવાથી દિપાવલીનો દિવસ માં લક્ષ્મીનો જન્મ દિવસ છે. આજના દિવસે ધન અને સમૃદ્ધિની દેવી માં લક્ષ્મીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
“તમસો માં જ્યોતિર્ગમય” એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર પર્વ દીપાવલી ક્યારથી શરૂ થઈ? સૌપ્રથમ કોણે દીપાવલી ની ઉજવણી કરી? તેની પાછળ એક રોચક કથા છે.
સમુદ્ર મંથન દ્વારા માતા લક્ષ્મી પ્રગટ થયા અને વિષ્ણુજીને વર્યા, ત્યારબાદ વિષ્ણુજી દેવી લક્ષ્મીને લઈને પૃથ્વી ભ્રમણ કરતા કરતા વૈકુંઠધામ જતા હતા. રસ્તામાં ખેડૂતોના લીલાછમ ખેતર જોઈને દેવી લક્ષ્મી આકર્ષિત થયા. તેમણે શેરડી તોડીને ખાધી અને સરસવના પીળા ફૂલ થી શણગાર સજ્યાં. ભગવાન વિષ્ણુએ નારાજ થઈને દેવી લક્ષ્મીને કહ્યું કે તમે ખેડૂતના પાકની ચોરી કરી તેથી તેના બદલામાં તમારે ખેડૂતના ઘરે કામ કરવા રોકાવું પડશે, આ તમારી ચોરીની સજા છે.
દેવી લક્ષ્મી ખેડૂત ના ઘરે કામ કરવા રોકાઈ ગયા. માં લક્ષ્મીનો વાસ થવાથી ખેડૂત સમૃદ્ધ થઈ ગયો. સમય પૂરો થતાં ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીને લેવા ખેડૂતને ત્યાં આવ્યા. ત્યારે ખેડૂતે અને તેના ઘરના સભ્યોએ માં લક્ષ્મી ને રોકાઈ જવાની પ્રાર્થના કરી. માં લક્ષ્મીએ ખેડૂતને કહ્યું કે હું આ કળશ ની અંદર હાજર રહીશ, તમે આ કળશની રોજ પૂજા કરજો અને દર વર્ષે હું આસો વદ અમાસના દિવસે તમારા ઘરે આવીશ, કેમ કહીને લક્ષ્મીજી ચાલ્યા ગયા.
બીજા વર્ષની અમાસ આવતા ખેડૂતે માં લક્ષ્મીના સ્વાગત માટે ઘરની સફાઈ કરીને ઘરને સજાવ્યું તેમ જ આંગણામાં રંગોળી અને દિપ પ્રગટાવ્યાં. કહેવાય છે કે પૃથ્વી પર દિપાવલી નો તહેવાર ત્યારથી ઉજવાય છે.
હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ લંકાપતિ રાવણનો વધ કરીને, માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ આસો મહિનાની અમાસ હતી. ભગવાન શ્રીરામને જોવા અને તેનું સ્વાગત કરવા માટે અયોધ્યાવાસીઓએ દીવાઓની હારમાળા કરીને આખા અયોધ્યાને રોશની થી ઝગમગાટ કર્યું હતું. ત્યાર પછી ફક્ત બે જ વર્ષ દીપમાળા પ્રગટી હતી.
કહેવાય છે કે દ્વાપર યુગમાં પાંડવો 12 વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ ગાળીને પાછા ફર્યા ત્યારે નગરવાસીઓએ તેમના સ્વાગત માં દીપમાળા પ્રગટાવી હતી. ત્યારથી સતત દિપાવલીના દિવસે દીપમાળા પ્રગટાવવાની પરંપરા આજ સુધી ચાલી આવે છે.
જૈન ધર્મના 24 માં તીર્થંકર શ્રી ભગવાન મહાવીર સ્વામી
દિપાવલીના દિવસે જ બિહારના પાવાપુરી માં નિર્વાણ પામીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો અને તેમના શિષ્ય ગૌતમ ગણધરે પણ દિપાવલીના દિવસે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જૈન ધર્મમાં દીવાને આત્મા સાથે સરખાવ્યો છે, તેથી જૈનો દીપાવલીને અલગ રીતે તપ જપ કરીને મનાવે છે.
શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહજી, બાદશાહ જહાંગીરની કેદમાંથી છૂટીને અમૃતસર આવ્યા ત્યારે શીખ લોકોએ દીપ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું, તે દિવસ દીપાવલી નો હતો. તેમજ અમૃતસરના સુવર્ણ મંદિરના નિર્માણનો પાયો દીપાવલીના દિવસે જ નખાયો હતો.
બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધના અનુયાયીઓ અને સમર્થકોએ આજના દિવસે દીપ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. મોગલ સમ્રાટ અકબરના દોલતખાનાની સામે 40 ગજ ઉંચા વાસના થાંભલા પર એક મોટો આકાશદીપ દિપાવલીના દિવસે લટકાવતા હતા.
આમ ભારતમાં દિપાવલી નો તહેવાર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ અને જૈન આ બધા ધર્મમાં દીપાવલી નું મહત્વ અનેરું હોવાથી દીપાવલી કોઈ એક પંથ કે ધર્મનો પર્વ ન રહેતા ભારતભરનો મહત્વનો અને સૌથી મોટો તહેવાર છે.