કળિયુગમાં સતયુગના સૂરજ ઉગાડવાની તમન્ના અને તપસ્યા!
આપણા દેશમાં ‘હેપ્પી બર્થ-ડે ટુ યૂ’ની શુભેચ્છાઓનો ઉત્સવભીનો ધ્વનિ અસંખ્ય ઠેકાણે થાય છે. રૂબરૂમાં કે વિવિધ સંસ્થાઓમાં, નગર નગરમા અને ઘર-ઘરમાં કોઈને કોઈના જન્મદિનની ઉજવણી થાય છે. મિજબાનીઓ પણ થાય છે ને ખુશાલીઓ મનાવાય છે. ભગવાન, સંત-મહંતો, શ્રીમંતો અને સામાન્ય પરિવારોનાં સ્થાનો સુધી એનો વ્યાપ છે.
આજે તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિન છે. સવા અબજ આબાલવૃધ્ધ દેશવાસીઓના હૃદયમાં વસી ગયેલા કદાવર રાજપુરૂષનો આજે જન્મદિન છે.
આખો દેશ એમને હેપ્પી બર્થ ડે ટુ યૂનો હર્ષભીનો તથા ઉત્સવભીનો ધ્વનિ ઠેર ઠેર ઉઠશે અને તે ચોમેર રેલાશે. વિદેશોમાં એની ગુંજ પહોચશે.
દેવી નર્મદા એને વધાવશે, આખું ગુજરાત તેમને હૈયાના હેતથી આવકારશે.
સામાન્ય ‘ચા’ વાળામાંથી દેશના વડાપ્રધાન બનવું, એ નાની સુની વાત નથી.
લોઢાના ચણા ચાવવાથી યે વધુ કપરી આ વાત છે. આપણા વડાપ્રધાને પહેલા ગુજરાતમાં અને તે પછી આખા દેશમાં લોઢાના ચણા ચાવી બતાવ્યા છે. એમ કહી શકાય.
ભારતની આઝાદીની વર્ષગાંઠ નિમિતે તેમણે કરેલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં તેમના હૃદય-મનની અગાધતા અને રાજકીય દૂરંદેશીનું પ્રતિબીંબ પડયા રહ્યું ન હતુ.
એ પ્રવચનના અહિ નોંધાયેલા અંશો એમની પ્રભાવીકતાનો અને પ્રભુતાનો દેશની આજની પેઢી આ ચહેરો ખ્યાલ આપે તેવા છે.
શ્રી મોદીએ લાલ કિલ્લાલના કાંગરેથી તેમની જોશીલી વાણીમાં દેશને કહ્યુંં હતુ કે આઝાદી મેળવવા માટે જે શહીદોએ બલિદાન આપ્યું હતુ તેઓને હુ પ્રણામ કરૂ છું. જેઓએ બ્રિટિશસામ્રાજયવાદના બંદનમાંથી દેશને મૂકત કરવા, દેશાભિમાન માટે બલિદાન આપ્યા તથા સદીઓ જૂની ગુલામીમાંથી અને હીણપદમાંથી દેશને મૂકિતઅપાવી તેઓનાં પરિવારના સભ્યોને મારી ખાસ શ્રધ્ધાંજલી પાઠવું છું. આખા દેશે જેનાં પ્રયાસોને માન્ય રાખ્યા તેવા પ્રથમ પંકિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે નમન કરીએ. શ્રી મોદી તે વખતેય કેટલાક પરિપકવ રાજપુરૂષ હતા. તેની પ્રતીતિ તેમણે કરાવી આપી હતી.
હવે તો ભાજપના સીનિયર નેતાઓ પણ રહ્યા નથી. પોતાની નવી ટીમને અને વફાદાર અમલદારોને સાથે લઈને તેમણે ભારત-નિર્માણની ક્ષિતિ જ ભણી છલાંગ મારી છે.
એમની આ છલાંગમાં દેશના વિકાસનું લક્ષ્ય છે. અને ભારતને વિશ્વનાના મહાન રાષ્ટ્રોની હરોળમાં લઈ જઈને તેને ‘વિશ્વગુરૂ’નું ગૌરવ અપાવવાનું નિશાન પણ છે. એમનો ઈરાદો આપણા દેશના ‘સ્વરાજ’ને સુરાજય પ્રતિ અને ક્રમેક્રમે રામરાજય પ્રતિ લઈ જવાનો છે. તેમના ભાષણો- પ્રવચનોમાં દેશના સાર્વત્રિક વિકાસ માટેની યોજનાઓની હારમાળા હોવાનો અને દેશનો ચહેરો બદલવાના ઘણા બધા પ્રોજેકટો હોવાનો રણકો છે.
પરંતુ કોઈએ કયાંક લખેલી આ કાવ્યપંકિતનું શું, એવો સવાલ પણ ઉઠે છે.
કેટલા સગપણ, અને હું એકલો…
સેંકડો વળગણ, અને હું એકલો…
એક પણ શ્વાશ લેવા દે નહિ,
ઘણ ઉપર છે ઘણ, અને હું એકલો…
સવા અબજ જેટલી જનસંખ્યાને નજરમાં રાખીને કેમ ટકવું, કેમ અટકવું, કેમ છટકવું, એ બધુ દેશના સુકાનીએ જાણવું પડે છે. સરવાળે જો આમતેમ ભટકવું ન પડે, એની કાળજી અને આવડત રાખવા પડે છે.
જો કે, આપણા વડાપ્રધાન તેમના પુરોગામી શ્રી વાજપેયીની જેમ કવિ પણ છે, અને તેમને ગમે તેવા ઘોડાપૂરનો સામનો કરવાનો અટલ વિશ્ર્વાસ ધરાવે છે, પછી તે મંદીનું હોય કે અર્થતંત્રીય હોય કે રાજકીય દાવપેચનું હોય !
અત્યારે, પોતાના જન્મોત્સવના અવસરે તેઓ આર્થિક કટોકટી, બેકાબુ મોંઘવારી, લાંચરિશ્વત, ભ્રષ્ટાચાર અને દેશભકિતની જબરી ખોટના પડકારોથી ઘેરાયેલા છે. આપણાદેશમાં અને પડોશી દેશોમાં પ્રવર્તતા અશાંતિના ઘુંઘવાટનો સામનો કરી રહ્યા છે. નિરંકુશ શાસનની તેમણે જે ટેવ પાડી છે તે પણ ભરેલા અગ્નિનું સ્વરૂપ લઈ રહી છે.
હમણા હમણા તો ધરમના થાંભલાઓ વચ્ચેનો કલેશ દેશને બદનામીના ડામ દઈ રહ્યો છે. એ નાની સરખી બાબત નથી.
આપણા દેશની ધર્મસત્તાનું અને ધર્મગૂરૂઓનું ધમલક્ષી નિંદાઓ વચ્ચે કશું ન ઉપજે, એ શું લજજાસ્પદ નથી?
આદેશ એમનો દેશ પણ છે. આ દેશમાં એ બધા પણ પોષાયા છે. આ દેશની આબરૂ શું એમની આબરૂ ન લેખાય?
વડાપ્રધાને અધાર્મિકતાને પણ ટોકવી પડે, એમ કોણ નહિ માને ? દેશની સંસ્કૃતિ, સંસ્કાર, નીતિરીતિ અને સભ્યતા સાથે એ સંકળાયા છે.
પણ, ફરી પેલી કાવ્યપંકિત નજર સામે આવે છે.
કેટલાં સગપણ, અને હું એકલો
સેંકડો વળગણ, અને હું એકલો
એક પણ પણ શ્વાશ લેવા દે નહિ
ઘણ ઉપર છે ઘણ, અને હું એકલો…
આ બધુ છતા, આપણે એમ જ કહેશું કે, કળિયુગમાં સત્યુગનાં સૂરજ ઉગાડી દે એવી ત્રેવડ આપણા વડાપ્રધાનમાં છે. એમનામાં પરમેશ્ર્વરી શકિતની તેજસ્વિતા છે.દેવી નર્મદા અને ગુર્જર ભૂમિની પૂણ્યતા એમને સહાય આપી રહ્યા છે.
આપણે પ્રાર્થના કરીએ કે એમના પ્રત્યેક્પગલે સફળતાના સાથિયા પૂરાતા રહે અને એમની જીવનયાત્રા એમની તમામ મનોકામનાઓની સિધ્ધિ તેમજ સ્વાસ્થ્ય -સુખથી લીલીછમ રહે!