તમામ લોકોને ઘરનું ઘર અને શુદ્વ પીવા લાયક પાણી પુરૂં પાડવાનો સામાન્ય સભામાં સંકલ્પ
રાજકોટ મહાનગર પાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં મુખ્ય એજન્ડામાં કુલ 3 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જે પૈકી એક દરખાસ્તને પેન્ડિંગ રાખી અન્ય બે દરખાસ્તોનો બહુમતીથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા અધ્યક્ષસ્થાનેથી ત્રણ અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
જેમાં ભારતના લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે તેઓને સામાન્ય સભા દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 13 થી 15 ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. જે અંતર્ગત ઘરે-ઘરે તિરંગો લહેરાવી દેશભક્તિ ઉજાગર કરનાર તમામ શહેરીજનોનો આભાર માનતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ વડાપ્રધાન દ્વારા દેશમાં ઘર વિહોણાં લોકોને છત મળે અને દરેક પરિવારને પીવાનું શુદ્વ પાણી મળે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે રાજકોટ શહેરમાં પણ સાકાર કરવા સામાન્ય સભામાં સંકલ્પ કરવામાં આવ્યો હતો.