બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે યુએઈના સૌથી મોટા ગુરુદ્વારાની શુભેરછા મુલાકાત લીધી હતી. જ્યાં દુબઈ ખાતેના આ પ્રસિદ્ધ ગુરુદ્વારાના સુરેન્દરસિંઘ કંધારી દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ખૂબજ ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા.
બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ કે જેઓ શિખરબદ્ધ બી.એ.પી.એસ. હિંદુ મંદિર-અબુધાબીના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા છે, તેમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સ્થાનિક અગ્રણીઓ સાથે પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ ગુરુદ્વારા ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગુરુગ્રંથ સાહેબજી સમક્ષ પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ શ્રદ્ધાળુઓને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે યુએઈની ઐતિહાસિક ધર્મયાત્રાએ છે, જે અંતર્ગત યુએઈની રાજધાની અબુધાબી ખાતે નિર્માણ પામનારા પંરપરાગત શૈલીના સૌપ્રથમ બીએપીએસ હિંદુ મંદિરની શિલાન્યાસવિધિ કરી હતી.