પાંચમા નોરતે રાસ રસિયાઓનો જામ્યો રંગ: અવનવા આયોજનોથી અબતક રજવાડી રાસ મહોત્સવને માણવા ખેલૈયાઓની જામતી ભીડ: નોખી અનોખી થીમ ઉપર ખેલૈયાઓએ ધુમ મચાવી: આયોજકોના સુચારુ સંચાલનથી નવરાત્રીના પાંચ દિવસ નિર્વિધ્ન સંપન્ન: આજે પણ અબતક રજવાડીના યુવા હૈયાઓનો થનગનાટ ધરા ધ્રુજાવશે
છેલ્લા પાંચ દિવસથી શહેરમાં નવરાત્રીનો રંગ જામ્યો છે. આજે ર્માંની આરાધનાનો છઠ્ઠો દિવસ છે. દરેક નોરતે પ્રથમ નોરતા જેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પણ મધરાત સુધી પોતાના પગને થોભાવા નથી દેતા. રોજેરોજ અવનવા ગરબાના સ્ટેપ્સ સાથે રાસની રંગત જમાવી રહ્યા છે. ઠેર-ઠેર પ્રાચીન તેમજ અર્વાચીન ગરબીઓમાં રાસ-રસિયાઓને અવનવા આકર્ષક ઈનામો અપાઈ રહ્યા છે. યુવાનો પણ ભપકાદાર આભૂષણો અને વસ્ત્રોથી પોતાને સુસજજ કરી નવરાત્રીની રંગતને માણી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ માટે નવે-નવ દિવસ જાજરમાન આયોજન કરતા અબતક રજવાડી રાસ મહોત્સવમાં પણ પાંચમે નોરતે યુવા હૈયાઓએ ધુમ મચાવી હતી. અબતક રજવાડી રાસ મહોત્સવના સુચારુ આયોજનથી સંતુષ્ટ હજારો ખેલૈયાઓ પાંચમાં દિવસે પણ ગરબાની રમઝટ બોલાવવા ઉમટી પડયા હતા. અહીં દરરોજ શ્રેષ્ઠ પરિધાન તેમજ પ્રિન્સ-પ્રિન્સેસને અવનવા આકર્ષક ઈનામો આપવામાં આવી રહ્યા છે. અબતક રજવાડી રાસ મહોત્સવનાં યુવા સાજીંદાઓ અને ગાયક કલાકારો પણ દરરોજ અવનવા ગીતો-ગરબા પ્રસ્તુત કરી ખેલૈયાઓને તેમના સુરતાલ સાથે થીરકાવે છે. આજે છઠ્ઠા નોરતે પણ અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ‘અબતક’ રજવાડી રાસોત્સવને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.