કોર્પોરેશને માર્ચ મહિનાથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે કરેલી માંગણી રાજ્ય સરકારે 8 દિવસ વહેલી સંતોષી: સૌની યોજના અંતર્ગત 700 એમસીએફટી પાણી ઠલવાઈ

અબતક, રાજકોટ

રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં 1050 એમસીએફટી નર્મદાના ની ઠાલવવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. માર્ચ મહિનાથી આજી ડેમમાં અને મે માસથી ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકાર દ્વારા એક સપ્તાહ વહેલો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. ગઇકાલે સવારે ધોળીધજા ડેમથી રવાના કરાયેલા નર્મદાના નીર મચ્છુ-1 ડેમથી પાઇપલાઇન મારફત આજે સવારે ત્રંબા નજીક ત્રિવેણી સંગમ ખાતે પહોંચી ગયા હતા. જ્યાંથી નદીના વહેણમાં આ પાણી છોડી દેવામાં આવ્યું. આજ સાંજ સુધીમાં આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન થયું. એક મહિના સુધી સતત પાણી ચાલુ રાખવામાં આવશે અને ડેમમાં 700 એમસીએફટી પાણી છોડવામાં આવશે. કોર્પોરેશન મોંઢે માંગ્યા નર્મદાના નીર આપતા આજે મેયર ડો.પ્રદિપભાઇ ડવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો હતો.

IMG 20220222 WA0132

રાજકોટ શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી આપવામાં આવે છે. સ્થાનિક જળાશયો તથા નર્મદા પાઈપલાઈન દ્વારા 365 એમએલડી પાણી મેળવી વિતરણ કરવામાં આવે છે. આગામી ઉનાળાની ઋતુ તથા ચાલુ વર્ષના ચોમાસા સુધી 20 મિનિટ પાણી પુરવઠો જાળવી રાખવા સ્થાનિક  આજી-1 ડેમ અને ન્યારી-1 જળાશયની સ્થિતિની વિગતવાર માહિતી આપવામાં આવેલ અને 1 માર્ચ થી આજી-1 ડેમમાં 700 એમસીએફટી પાણી ફાળવવા માંગણી કરી હતી. જેના અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવ અને રાજ્યના વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આજી-1 ડેમ માટે સૌની યોજના મારફતે જળ જથ્થો ફાળવવા મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરેલ. જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌની યોજના હેઠળ રાજકોટને પાણી ફાળવવાનો વહેલાસર નિર્ણય કરી અને સૌની યોજનાનું પાણી છોડવામાં આવેલ છે. જે બદલ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટરવર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.  સૌની યોજના હેઠળ આશરે 96 કિ.મી. દુર એટલે કે, ધોળી ધજાથી ખાટડી (મુળી) થી થાન થી પીપળીયા (મચ્છુ-1) થઈ ત્રંબા થી આજી ડેમ પાણી આવે છે. ધોળી ધજાથી સૌની યોજનાનું પાણી છોડવામાં આવેલ છે. આજ સવારના ત્રંબા ખાતે સૌની યોજનાનું પાણી પહોંચી ગયેલ છે. ત્રંબા થી આજ સાંજ સુધીમાં આજી-1 ડેમમાં પાણી પહોંચ્યુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.