પ્રમુખ બહાર હોવાથી તેમની બદલે સભ્યોએ હનુમાનજીની છબીને પ્રમુખની ખુરશી પર બેસાડી.
મોરબી જિલ્લા પંચાયતમાં ગઈકાલે પ્રમુખે વિધિવત ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ બહારગામ ગયા હોવાથી કાર્યકરોએ પ્રમુખની ખુરશીએ હનુમાનજીની છબીને બેસાડી મુહૂર્ત સાચવ્યું હતું.
મોરબી જિલ્લા પંચાયતમાં ગત તા. ૨૧ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૬ સભ્યોની બહુમતીથી પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયા ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ તેઓ કારોબારી ચેમ્બરમાં બેસતા હતા. જ્યોતિષના કહેવા પ્રમાણે ગુરુવારે પ્રમુખને વિધિવત ચાર્જ ગ્રહણ કરવાનું શુભમુહૂર્ત હોવાથી તેઓએ ગઈકાલે ચાર્જ સંભાળવાનું નક્કી કર્યું હતું.
પરંતુ નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને કોઈ કારણે બહારગામ જવાનું થયું હોવાથી સભ્યોએ તેમની ગેરહાજરીમાં શુકન સાચવી લીધું હતું. જેમાં પ્રમુખની ખુરશીમાં હનુમાનજીની છબીને બેસાડી હારતોરા કરી ભગવાનને પ્રસાદ અર્પણ કરી પ્રમુખના વિધિવત ચાર્જ લેવાનું શુકન સાચવી લિધુ હતું.