વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહિતના હિન્દુ સંગઠનોનું આયોજન શોભાયાત્રાના સમાપન બાદ ધર્મસભા યોજાશે ૨૫૦થી વધુ યુવાનો ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરશે
ગોંડલમાં આવતીકાલે હનુમાન જયંતિ નિમિતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત શોભાયાત્રામાં સમાપન બાદ ધર્મસભા યોજાનાર છે. આ સાથે ૨૫૦થી વધુ યુવાનોનો ત્રિશુલ દીક્ષા પ્રસંગ ઉજવવામાં આવશે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે હિરેનભાઈ ડાભી, મહેશભાઈ ગોહેલ, ગોપાલભાઈ ભુવા, નિર્મળસિંહ ઝાલા, ભુપતભાઈ ચાવડા, જયસુખભાઈ વઘાસીયા, વૈભવભાઈ ગણાત્રા, હર્ષદભાઈ રામોલીયા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, જીતુભા જાડેજા, મોહિતસિંહ ચુડાસમા, કમલેશભાઈ ગોહિલ, હિતેશભાઈ શીંગાળા અને સાગરભાઈ કાચાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આવતીકાલે વિશ્ર્વ હિન્દુ પરીષદ, બજરંગદળ તથા તમામ હિન્દુ સંગઠનો દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એક વિશાળ શોભાયાત્રા ગોંડલના મુખ્ય વિસ્તારમાં નીકળશે. જેમાં વિવિધ ફલોટસ અને કેશરી ઝંડી સાથે ૧૫૦૦ જેટલા વાહનો જોડાશે. શોભાયાત્રાનું સમાપન દેવપરા ખાતે આવેલ તરકોશી હનુમાનજી મંદિર ખાત થશે ત્યાં હિન્દુ ધર્મસભાનું આયોજન કરાયું છે. જેમાં ગોંડલની ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય પૂ.ઘનશ્યામજી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દિવ્ય પુરુષ સ્વામી, નાની બજાર સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ સ્વામી, મામાદેવ મંદિરના ચંદુબાપુ, વડવાળી જગ્યાના સીતારામબાપુ, નાની બજાર હવેલીના મુખ્યાજી અશોકજી, પરબની જગ્યાના મુનાબાપુ, રામદાસબાપુ વિગેરે સંતોની ઉપસ્થિતિ રહેશે. ઉપસ્થિત તમામ સંતો-મહંતોને સન્માનિત કરાશે.
આ ધર્મસભામાં વકતા તરીકે ખેડાના વતની રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર કલ્પેશસિંહ વાઘેલા હાજર રહેશે. વિશેષમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં બજરંગ દળના ૨૫૦ કરતા વધુ બજરંગી યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન સાવલીયા, જેન્તીભાઈ ઢોલ, રમેશભાઈ ધડુક, ભુપતભાઈ ડાભી જેવા આગેવાનો પણ હાજર રહેશે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવાની અપીલ કરવામાં આવી છે.