ગામે ગામ સુંદરકાંડના પાઠ, યજ્ઞ, બટુક ભોજન, રથયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
આવતીકાલે હનુમાન જયંતિ છે. સૌરાષ્ટ્રભરમાં હનુમાન જયંતિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. ગામે ગામ સુંદરકાંડના પાઠ, યજ્ઞ, બટુક ભોજન, રથયાત્રા સહિતનાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કળીયુગનાં દેવ કેશરીનંદનની જન્મજયંતિને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ઘણા ખરા મંદિરોમાં કેક કટીંગ કરીને હનુમાનજીની જન્મજયંતીને ઉજવવામાં આવનાર છે.
સરધાર ગામે આવતીકાલે શનિવારે ઠેર-ઠેર હનુમાન જયંતિની ઉજવણી થશે. આ અંગે વિવિધ મંડળો સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓને આખરીઓપ અપાયો છે. સરધારમાં હનુમાન જયંતિની ઉજવણીમાં ગામના સામાન્યજનથી માંડી સરપંચ સુધીના લોકો પોતાના ધંધા-રોજગારમાંથી મુકિત મેળવીને પણ આ દિવસને રંગેચંગે ઉજવે છે. સામાજિક યુવા અગ્રણી પરેશભાઈ સાંયજાના કહેવા મુજબ સરધાર પંથકની વિખ્યાત રામદુત ગૌશાળા, અંધ-અપંગ, બિમાર ગાયના લાભાર્થે આ ઉજવણીમાં મા‚તિયજ્ઞ, બટુક ભોજન અને રાત્રીના સોલંકી વીર વચ્છરાજ દાદાનું આખ્યાન પણ વિવિધ કલાકારો દ્વારા થશે ત્યારે હનુમાન જયંતિની ઉજવણી કરવા ભાવિકોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
દામનગર
દામનગર શહેરની મુખ્ય બજારમાં બીરાજતા રોકડીયાદાદા મંદિરે હનુમાન જયંતીની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.
સમસ્ત રોકડીયા પરિવાર દ્વારા ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અહિંના આસપાસ વસતા લોકોનું આસ્થાનું કેન્દ્ર રોકડિયા હનુમાનજી મંદિરે દરરોજ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળે છે.
ધોરાજી
હનુમાન જયંતિ નિમિતે પંચશીલ સોસાયટીનું ગ્રાઉન્ડ, જયબાલા હનુમાન ભુલકા ગરબી ચોક, જમનાવાડ, ધોરાજી ખાતે ૧૦૧ કુંડી વૈદિક યજ્ઞ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય જ્ઞાનેશ્ર્વરજીના સ્મરણાર્થે દર્શનાચાર્ય સ્વામી શાન્તાનંદજીના સાનિધ્યમાં યોજાનાર યજ્ઞમાં ભવાનીપુર (કચ્છ)નાં સ્વામી શાન્તાનંદજી, વૈદીક પરીવારનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ હનુમાન જયંતિના પછીના દિવસે રવિવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે યોજાશે.