લોકડાઉનના સમયે મનોરંજન સાથે સાથે લોકજાગૃતિનું કાર્ય કરતા રેડિયો વોરિયર્સ
“સાહેબ ! હું ભાણવડથી બોલું છું, મારા વોટસએપમાં આવ્યું છે કે, કોરોના વાયરસ હવાથી ફેલાઈ શકે છે, એ સાચું
છે ?
“હેલ્લો ! હું કલ્યાણપુરથી બોલું છું મને ઉધરસ આવે છે તો મને કોરોના થયો હશે ?
“હું સુરેન્દ્રનગરથી બોલું છું, અમારી સોસાયટીમાં એક ભાઈ હોમ કવોરોન્ટાઈન છે તો શુંઅમને તેનો ચેપ લાગી શકે ? અમને બીક લાગે છે.
કોરોનાની મહામારીના સમયમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપર તાજેતરમાં પ્રસારીત થયેલા ફોન ઈન કાર્યક્રમને સાંભળી રહેલા સૌરાષ્ટ્ર ગુજરાતના શ્રોતાજનોએ કોરોનાના ડરને દૂર કરવા તેમને મુંઝવતા પ્રશ્નો પૂછયા હતા. જેના આકાશવાણી કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહેલા રાજકોટ મેડીકલ કોલેજના ડીન અને પ્રોફેસરોએ ખૂબ જ સહજતાથી ઉત્તરો આપી શ્રોતાઓને કોરોનાની મહામારીના ડરને દૂર કરી સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવાની સાથે માત્ર જરૂરી તકેદારી રાખવાથી જ કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે, તેમ જણાવતા શ્રોતાઓએ હળવાશ અનુભવી હતી.
આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી પોતાના નાગરિકોને મૂક્ત કરી તેમને શારીરિકની સાથે માનસિક સ્વસ્થ બનાવવા કાર્ય કરી રહયુંછે, તેવા સમયે ગુજરાતના રાજકોટ જિલ્લાની સાથે સૌરાષ્ટ્ર કચ્છના લોકોને મનોરંજનની સાથે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેનાથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃત કરવાનું અસરકારક કાર્ય આકાશવાણીના માધ્યમથી થઈ રહયું છે.
લોકોમાંથી કોરોનાના ડરને દૂર કરવા આકાશવાણીના પ્રદાનની વિગતો આપતા રાજકોટ આકાશવાણીના આસિસ્ટન્ટ ડાયરેકટર પ્રોગ્રામ વસંત જોષીએ જણાવ્યું હતુ કે, લોકડાઉનના સમય દરમિયાન રાજકોટ કેન્દ્ર દ્વારા સવારના ૯ થી ૧૨ અને સાંજના ૫ થી ૮ દરમિયાન લોકલ પ્રસારણ કરવામાં આવી રહયું છે. જેમાં ભક્તિ સંગીતની સાથે કોરોના જાગૃતિ સબંધિત કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે.
આકાશવાણીમાં અત્યાર સુધીમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેવા કે, ધર્મ ગુરૂઓ, રમત જગતના લોકો, ગુજરાતની ફિલ્મના કલાકારોની સાથે વિવિધ જિલ્લાના કલેકટર, પોલીસ વડા તેમજ કોર્પોરેશનના કમિશ્નરોના સંદેશાઓ પ્રસારીત કરવાની સાથોસાથ ‘ફોન ઈન’ જેવા કાર્યક્રમો થકી શ્રોતાઓનો સીધો જ ડોકટરો સાથે સંવાદ કરાવીએ છીએ. જેથી કોરોના સબંધીત તેમના મનમાં રહેલા સવાલોના સાચા જવાબ તેમને મળી શકે.
આ ઉપરાંત લોકડાઉનના કારણે ઘરમાં રહેતા અને કોરોનાના ડરના કારણે માનસિક રીતે અસ્વસ્થ બનેલા લોકોની અસ્વસ્થતા દૂર થાય તે માટે રેડીયોના માધ્યમથી કાઉન્સેલીંગ કાર્યક્રમ પણ પ્રસારીત કરીને લોકોની માનસિક સ્થિતિને સ્વસ્થ બનાવવાનું કાર્ય પણ કરવામાં આવી રહયું છે.
જોષીએ વધુમાં જણાવ્યું હતુ કે, લોકોના મનોરંજન માટે તાજેતરમાં અમે એક નવતર કાર્યક્રમ પણ કર્યો હતો.જેમાં રાજકોટના કવિઓ સાહિત્યકારોનો ટેલીફોનના માધ્યમથી ઓનલાઈન મુશાયરો કર્યો હતો. જેને અમારા શ્રોતાઓએ ખૂબ જ પસંદ કર્યો હતો. આમ જોઈએ તો કોરોનાની મહામારીના સમયમાં અમે આકાશવાણીના માધ્યમથી લોકોને વધુને વધુ મનોરંજન મળી રહે, સાથો સાથ તેમના મનમાં રહેલા કોરોનાના ડરને દૂર કરી શકાય તે માટેના યથાર્થ પ્રયાસો કરી રહયાં છીએ.
સૌરાષ્ટ્ર કચ્છના શ્રોતાઓની સાથે ખાસ કરીને રાજકોટમાં વસતા લોકોને આ મહામારીના સમયમાં આકાશવાણીની સાથે રાજકોટના કેટલાક એફએમ સ્ટેશનો અને તેમાં કાર્ય કરી રહેલા આરજે માનસિક સધિયારો આપવાનું કાર્ય કરી રહયાં છે.
રાજકોટના રેડ એફએમ સાથે જોડાયેલા નિશી સંઘવી જણાવે છે કે, લોકડાઉનના સમયથી જ અમે ‘ઈક્કીસ દિન સ્ટે ઈન’ અને ‘કેર કરોના’ની મુહીમ ચલાવી રહયાં છીએ. આ ઉપરાંત દર કલાકે અમે અમારા શ્રોતાઓને હેન્ડવોશ કરી આવો, અમે તમારી રાહ જોઈએ છીએ તેમ જણાવી લોકોને સતત તેમના હાથ ધોવાનું યાદ અપાવતા રહીએ છીએ.
જનતા કરફયુ થયો ત્યારથી જ અમે સુપર એકટીવ મોડમાં આવી ગયા છીએ, તેમ જણાવતા નિશી ઉમેરે છે કે, લોકો એકને એક બાબતથી કંટાળી ન જાય તે માટે અમારા આરજે સતત નવું નવું તેમના સુધી પહોંચાડી તેમને મનોરંજન પૂરૂ પાડી રહયાં છે.
રેડિયો મિર્ચીની આરજે શીતલ પણ આવું જ કઈંક જણાવતા કહે છે કે, અત્યારે બધી બાજુ કોરોના કોરોના થઈ રહયું છે, ત્યારે અમે અમારા શ્રોતાઓને પણ થોડા સમય માટે કોરોનાની સાચી માહિતી મળે અને થોડો સમય મનોરંજન મળી રહે તે પ્રમાણેના પ્રોગ્રામ ડીઝાઈન કર્યા છે. જેના કારણે લોકો મહામારીના ભયમાંથી બહાર નિકળી કોરોના બાબતે સાચી સમજ કેળવી હળવાશ અનુભવી શકે.
રાજકોટમાં જ આવેલા બીગ એફએમ અને માય એફએમ દ્વારા પણ મનોરંજનની સાથે લોકજાગૃતિ માટેનું ખૂબ જ સારૂં કાર્ય તેમના આરજે દ્વારા કરવામાં આવી રહયું છે. બીગ એફએમના આરજે વિનોદ જણાવે છે કે, કોરોનાના કારણે અમે વર્ક ફ્રોમ હોમ મુજબ જ કામગીરી કરી રહયાં છીએ. અમે લોકોને મનોરંજનની સાથે ઘરે જ રહેવા, સલામત રહેવા અનુરોધ કરતાં જણાવીએ છીએ કે, અમે પણ અમારૂં કામ ઘરેથી જ કરીએ છીએ તો પછી તમે શું કામ બહાર નિકળો છો ? તમે પણ ઘરે જ રહો, તો જ સલામત રહેશો.
બીગ એફએમના આરજે વિનોદની વાતમાં પોતાનો સુર પુરાવતા માય એફએમના નિશિત જણાવે છે કે, અમે પણ આજે દ્વારા લોકોને વારંવાર જણાવીએ છીએ કે, કોરોનાથી સમાજને મુક્ત કરવા બધા લોકો “બીના મિલે, સાથ લડે, ઘર મે રહે લોકડાઉનના સમયમાં લોકોને મનોરંજન મળી રહે તે માટે તેમના એફએમ દ્વારા ગીતોની સાથે લોક જાગૃતિ માટે વિવિધ મહાનુભાવો – ડોકટરોના ઈન્ટરવ્યુ પણ પ્રસારિત કરવામાં આવે છે, તથા આ ઈન્ટરવ્યુ રેડિયોની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર પણ કરવામાં આવે છે.
કોરોનાના કહેરથી મુક્ત બનવા આજે જ્યારે સમગ્ર દેશ – દુનિયાના લોકો કટિબદ્ધ બન્યા છે, તેવા સમયે લોકડાઉનની પરિસ્થિતિમાં કોરોનાના સાચા – ખોટા સંદેશાઓના કારણે માનસિક રીતે અસ્વસ્થ બનતા લોકોને રેડીયોના માધ્યમથી મનોરંજનની સાથે સાચી માહિતી પહોંચાડતા આ વોરિયર્સ અને તેમનું કાર્યસાચા અર્થમાં અભિનંદનીય છે.