દરેક કેટેગરીમાં ૩ ટકા બેઠકો અનામત રાખવાનો નિયમ ભંગ
જીપીએસસી દ્વારા દિવ્યાંગોને અનામત બેઠકો મામલે અન્યાય થતો હોવાની ફરિયાદ મુખ્યમંત્રી રૂપાણી, માનવ અધિકાર આયોગ અને કેન્દ્ર સરકારમાં કરવામાં આવી છે. ફરિયાદમાં દિવ્યાંગો માટે ૩ ટકા બેઠકો અનામત રાખવાના નિયમનો ભંગ કરાતો હોવાનું જણાવાયું છે. સૂત્રો કહે છે વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૭૬ જેટલી જગ્યાઓ ભરવામા આવી. તેમાં આવી કોઇ વિકલાંગ અનામત રાખવામાં આવી નથી. આજ રીતે તાજેતરમાં વર્ગ ૧ અને ૨ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પણ આવી દિવ્યાંગો માટે અનામતની કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. જીપીએસસી દ્વારા કટ ઓફ માર્કસ નક્કી થયા હોય તેના ૧૦ ટકા ઓછા માર્કસ સાથે વિકલાંગોની ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે જનરલ કેટેગરીમાં ૧૭૬ માર્કસ હોય તો દિવ્યાંગ ઉમેદવારને અંદાજે ૧૪૧ માર્કસ હોય તો જ પાસ કરવામાં આવે છે. સૂત્રો કહે છે ખરેખર દરેક કેટગરીમાં ૩ ટકા બેઠકો અનામત રાખ્વાની હોય છે. પરંતુ આવી કોઇ કાર્યવાહી થતી નથી. જેના કારણે હાલમાં દિવ્યાંગ ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રી, માનવ અધિકાર આયોગ સહિત કેન્દ્ર સરકારમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.