- ઘટનાને 48 કલાક થયાં બાદ પણ પરિજનોના મૃતદેહની સોંપણી મામલે પોલીસ સાથે ઘર્ષણ
ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં 34 જેટલાં લોકોના મોત થયાના સમાચાર છે. વિકરાળ આગમાં માનવ શરીર એટલી હદે ભડથું થયાં હતા કે તેમની ઓળખ કરવી અશક્ય હતી જેના લીધે મૃતકોના પરિજનોના ડીએનએ સેમ્પલ લઈને ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનાને 48 કલાકનો સમય વીત્યો તેમ છતાં હજુ વ્હાલસોયા પરિજનોના મૃતદેહ નહિ મળતા પરિવારનો આક્રંદ હવે આક્રોશમાં તબદીલ થયો છે. પરિજનોએ તંત્ર પાસે મૃતદેહની માંગ કરતા રોષ ઠાલવ્યો હતો. પરિજનોના રોષને પગલે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે વાતાવરણ તંગ બન્યું હતું.
ગેમઝોનની ઘટનામાં બાળકો અને યુવાનો સહીત અનેક લોકો ભોગ બન્યા છે. નિર્દોષ હાસ્ય અને કિલકારીઓ વિકરાળ આગમાં મરણચિસોમાં તબદીલ થઇ ગઈ હતી. ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શનિવારે રાત્રે મોકલવામાં આવ્યા હતા. ખુબ જ ખરાબ રીતે ભડથું થયેલા મૃતદેહની ઓળખ મેળવવા માટે પરિજનોના ડીએનએ સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આખી પ્રક્રિયા ટેક્નિકલ હોવાથી સમય લાગી રહ્યો છે પણ હવે મૃતકોના પરિજનોની હવે ધીરજ ખૂંટી રહી છે.
આજે સરકારી હોસ્પિટલ ખાતે 48 કલાક થયાં બાદ પણ મૃતદેહ નહિ મળતા મૃતકોના પરિજનોએ તંત્ર સમક્ષ રોષ ઠાલવ્યો હતો. પરિજનોના રોષને પગલે થોડી વાર વાતાવરણ તંગ બન્યું હતું. આ પ્રકારના અલગ અલગ ત્રણ જેટલાં બનાવ સિવિલ હોસ્પિટલ ખાતે બન્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં ઉપલેટાના 65 વર્ષીય વૃદ્ધ બાબુભાઈના પરિવારના પાંચ જેટલાં સભ્યો અકસ્માતમાં લાપતા થયાં છે ત્યારે આ વૃદ્ધ છેલ્લી 48 કલાકથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ મેળવવા માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે આજે સવારે તેમના પરિવારના એક સભ્યનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યારે વૃદ્ધએ એવો સવાલ કર્યો હતો કે, અમારા પરિવારના તમામ સભ્યો સાથે જ હતા, અમારા ડીએનએ પણ એકસાથે લેવામાં આવ્યા છે તો પછી ફક્ત એક જ મૃતદેહ કેમ સોંપાયો? બાકીના મૃતદેહ ક્યારે મળશે તે અંગે કોઈ જવાબ પણ નથી આપી રહ્યું.
બીજા બનાવમાં લાપતા થયેલા આશાબેન ચંદુભાઈ કાથળના પરિજનોએ પોલીસ સમક્ષ રોષ ઠાલવ્યો હતો. પરિજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમે ગરીબવર્ગના લોકો હોય એટલે અમારા પરિજનની લાશ પણ અમને સોંપવામાં આવતી નથી. અમારા પરિજનની લાશ કેમ સોંપતા નથી તે અંગે પરિવારના સભ્યોએ રુદન સાથે સવાલ પૂછ્યા હતા.
અન્ય રક બનાવમાં કેનેડાથી આવેલા યુવાન અક્ષય ઢોલરીયાની સ્ત્રી મિત્ર આંખમાં આંસુ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તેના મિત્રની ઓળખ કરવા માટે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જવા દેવાની માંગ કરી હતી. જો કે, પોલીસે આ માંગ નહિ સ્વીકારવા ઘર્ષણ થયું હતું. આ યુવકનું લાપતાની યાદીમાં નામ હતું પણ તે હાલ ક્યાં છે? જીવિત છે કે મૃત તે અંગે પણ અમને કંઈ ખ્યાલ નથી અને પોલીસ અમને ઓળખ પણ કરવા જવા દેતી નથી તેવો વલોપાત મેઘા વાઢેર નામની યુવતીએ કર્યો હતો.
એફએસએલ સાથે સંપર્કમાં રહી મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ: એસીપી ભારાઈ
પરિજનોના આક્ષેપ મામલે એસીપી રાધિકા ભારાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, સવારના 6 થી 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ 4 જેટલા લોકોના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.જેમ જેમ ઓળખ થતી જાય છે તે મુજબ પરિવારનો સંપર્ક કરી મૃતદેહોને સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એફ.એસ.એલ. માંથી જેમ જેમ ઓળખ થતી જાય છે તેમ તંત્ર કામગીરી હાથ ધરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે એફ.એસ.એલ. સાથે અમે સતત સંપર્ક સાધી રહ્યા છીએ. આ ઉપરાંત પોલીસ વિભાગે ઈમરજન્સી નંબર આપેલા છે. જેના પણ પરિવારજનો મિસિંગ હોય તેમણે તેમાં સંપર્ક સાધવા વિનંતી. એફ.એસ.એલ.માંથી મૃતકોનું લીસ્ટ આવી ગયું છે એ મુજબ મૃતદેહો સોંપવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. બધા મૃતદેહો જાહેરમાં જ સોંપાઈ રહ્યા છે.
ત્રણ માળના ગેમઝોનમાં કામ કરતા કર્મચારીઓ ક્યાં?
નાના મૌવા રોડ પર ત્રણ માળનું ગેમઝોન મંજૂરી વિના ધમધમતું હતું તો આ ગેમઝોનમાં કમ સે કમ વીસેક કર્મચારીઓ તો કામ કરતા જ હશે. તો પછી આ કર્મચારીઓ આગની ઘટના બની ત્યારે ક્યાં હતા? હજુ સુધી કેમ આ કર્મચારીઓનો કોઈ પતો નથી. કર્મચારીઓની યાદી પોલીસે મેળવી છે? તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે? કર્મચારીઓ નાસી છૂટ્યા કે પછી તેઓ પણ જીવતા હોમાઈ ગયાં? આ સવાલ પણ ઘેરો બન્યો છે.
જવાબદારોને જામીન મળ્યા તો હું તેમને મારી નાખીશ પરિવારના પાંચ સભ્યો ગુમાવનાર પિતાની પીડા
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ એક વ્યક્તિ પોતાના પરિવારના 5 લોકો ગુમાવ્યા છે. નોંધનીય છે કે, અગ્નિકાંડમાં 34 લોકો જીવતા હોમાયા છે. જોકે અત્યારે મામલે કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે એક મહત્વની વાત વાત સામે આવી છે. આ અગ્નિકાંડમાં એક વ્યક્તિએ પોતાના 5 પરિજનોને ગુમાવ્યા છે. તેણે સરકારને અપીલ કરી છે કે, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું તે લોકોને મારી નાખીશ. મારી આગળ પાછળ હવે કોઈ રહ્યુ નથી. હતા તે સૌને ગુમાવી બેઠો છુ. જો આ હત્યાકાંડના આરોપીઓને ફાંસીની સજા પહેલા જામીન મળ્યા તો હુ એમને પતાવી દઇશ. એટલું જ નહીં પરંતુ પ્રદિપસિંહ ચૌહાણે વકીલોને પણ અરજ કરી છે કે, કોઈ પણ વકીલ આમનો કેસ ના લડે. જો કોઈને પૈસાની ભૂખ હોય તો તેમની જે પણ ફી થતી હશે તેના કરતા બે લાખ હું વધારે આપીશ પરંતુ તમે કેસ ના લડતા.. હું મીડિયાના હાજરીમાં કહું કે, મને જે પણ સરકારી સહાય મળશે તેને હું જરુરિયાતમંદોને આપી દઈશ અને ખાસ વાત કે, આ લોકોને જે પણ સજા થશે. ફાંસીની સજા કે કોઈ પણ જાતની સજા પડશે અને સજા પહેલા જો તેમને જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ. હું જવાબદાર કોઈને જીવતા નહીં રહેવા દઉ. જેમ અમારા પરિવારની ઓખળ પણ નથી થતી તેમ હું તેમની ઓળખ નહીં થવા દઉં. ત્યારે એક પિતાએ બેદરકાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે ઉગ્ર અપીલ કરી છે. પોતાના પરિવારને ગુમાવ્યાની પીડામાં પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, સરકાર આ લોકોને ફાંસીની સજા કરે અને કોઈ પણ વકીલ આમનો કેસ લડે નહિ.