પ્રથમ તબકકામાં 71 નગરપાલિકા વિસ્તાર અને ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટવાઇઝ યાત્રા ઘરે ઘરે ફરશે
આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાનો આરંભ થશે જેમા રાહુલ ગાંધીનો સંદેશો અને ચાર્જશીટ ગુજરાતમાં તમામ ઘેર ઘેરે પહોચાડવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદરણીય રાહુલજીના નેતૃત્વમાં સર્વ સમાજને સાથે રાખીને નીકળેલી ભારત જોડો યાત્રાનું સમાપન થયું. ક્ધયાકુમારી થી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને ખુબજ અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ભારત જોડો યાત્રાથી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાથ સે હાથ જોડો યાત્રા દ્વારા સૌ કોઈનો હાથ ઝાલવાના છીએ. ગુજરાતમાં કાલે 1 ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો યાત્રા’ શરૂઆત કરવામાં આવશે જેમાં સૌ પ્રથમ 71 નગરપાલીકાની જ્યાં ચૂંટણીઓ આવી રહી છે
ત્યાંથી શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટ વાઈઝ ‘હાથ સે હાથ જોડો યાત્રા’ સમગ્ર ગુજરાત માં આ યાત્રા ઘરે ઘરે ફરશે. ગુજરાતમાં 3 અને 4 ફેબ્રુઆરીએ ગાંધીનગર, 4 અને 5 ફેબ્રુઆરીએ ભિલોડા,6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરીમાં સુધીમાં 17 તાલુકામાં યાત્રા પૂરી કરવામાં આવશે રાહુલ ગાંધીના સદેશને અમે ઘર-ઘર સુધી પહોંચડીશું. રાહુલ ગાંધીનો સંદેશ અને ચાર્જશીટ ગુજરાતના તમામ લોકોના ઘરે પહોંચડાશે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી દેશભરમાં જન સંવાદ કાર્યક્રમ ’હાથ સે હાથ જોડો અભિયાન’ ચલાવશે, જેનું નેતૃત્વ બ્લોક કોંગ્રેસ સમિતિઓ કરશે. આ અભિયાન હેઠળ 6 લાખ ગામો, 2.50 લાખ ગ્રામ પંચાયતો અને 10 લાખ મતદાન મથકો પર પહોંચીને રાહુલ ગાંધીનો સંદેશ અને મોદી સરકારની નિષ્ફળતાઓની ચાર્જશીટ દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે.
કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સતત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે. સરકારે ચૂંટણી વખતે નારો આપ્યો હતો કે ભરોસાની ભાજપ સરકાર પરંતુ ભરોસાની ભાજપ સરકારે 22મો પાડો જણ્યો છે. ગુજરાતના લાખો યુવાનોનું ભવિષ્ય વધુ અંધકારમય બન્યું છે. આ પેપર નહિ પણ ગુજરાતના સામાન્ય પરિવારોમાંથી આવતા બેરોજગાર યુવાનો-યુવતીઓનું કિસ્મત ફૂટ્યું છે.
ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને સાચી વિગતો સામે આવે તે માટે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર રજુ કરે તેવી કોંગ્રસ પક્ષ માંગ કરે છે જેથી ગુજરાતની જનતાને સાચી હકીકત જાણવા મળે કે કેટલા પરીક્ષાના પેપર ફૂટ્યા? છે કેટલા ગુન્હા દાખલ કરવામાં આવ્યા? કેટલી ધરપકડ કરવામાં આવી? કેટલી ચાર્જશીટ કરવામાં આવી? કેટલા કિસ્સમાં સજા થઇ? અને કેટલા જવાબદારને જેલમાં ધકેલાય છે? કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઇ થવાનું નથી. ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ભાજપે ક્યાંય પેપર ન ફુટવાની ખાતરી આપી ન હતી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. જેઓ અગાઉ પેપર લીક કરતા હતા તેઓ ફરીથી પકડાયા હતા, જે સાબિત કરે છે કે ઔપચારિકતાઓની ઘણી તપાસ કરવામાં આવી રહી છે નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે.