ટ્રકમાં મશીનની આડમાં છુપાવેલો 8196 બોટલ શરાબ મળી રૂ. 44.96 લાખનો મુદામાલ કબ્જે કરતી એલ.સી.બી.
અમદાવાદ-ધ્રાંગધ્રા માર્ગ પર આવેલા હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે ટ્રકમાં દુધના ફિલ્ટર મશીનની આડમાં છુપાવેલો રૂ. 34.87 લાખની કિંમતનો 8196 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી દારૂ ટ્રક મળી રૂ. 44.96 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડ પંથકમાં મોટે પાયે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને દારૂ બંધીનો કડક અમલ કરવા રાજકોટ રેન્જના વડા અશોક યાદવે આપેલી સુચનાને પગલે મોરબી એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
મોરબી એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભીને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી એક ટાટા ટ્રક નંબર-છઉં-19-ૠઈ-0919 હળવદ-માળીયા મિ. તરફ આવનાર છે જે ટ્રકમાં દુધના ફીલ્ટર મશીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.
તેવી ચોકકસ હકિકત આધારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે વોચ ગોઠવતા મળેલ બાતમીની હકીકત મુજબનો ટ્રક આવતા તેને રોકી ટ્રકની તલાસી લેતા તેમાં દૂધના ફિલ્ટર મશીનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 8,196, ટાટા કંપનીનો ટ્રક, 1 મોબાઈલ તેમજ રોકડા રૂ. 1,340 સહીત કુલ રૂ.44,96,360/-ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઈવર આરોપી કૈલાશભાઇ મદનસીંગ નેહરા(રહે. સીવકર (રામપુરા) તા.જી.બાડમેર (રાજસ્થાન)ની અટકાયત કરી તેમજ પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર પ્રકાશભાઇ જાખડ રહે. સરલી તા.જી.બાડમેર (રાજસ્થાન) નું નામ ખુલેલ જેથી બંને આરોપી સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.