જગતના તાતને લાખોનું નુકશાન: ખેડુતોમાં ભારે રોષ

 

અબતક, મેહુલ ભરવાડ, હળવદ

હળવદ તાલુકાના ધનાળા ગામે કોઈ ઈર્ષાળુ હરામખોર તત્વોએ ખેડૂતે દિવસ-રાતની મહેનતથી તૈયાર કરેલી જીરૂના લૂમેઝૂમે પાકમાં રાત્રીના અંધકારમાં ઝેરી દવા છાંટી દેતા અડધા ખેતરમાં ઉભેલો જીરૂનો પાક બળીને ખાખ થઇ જતા ખેડૂતને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા ધનાળા ગામે રહેતા પ્રવિણભાઇ સોનાગ્રા નામના ખેડૂતે શિયાળુ પાકમાં જીરૂ વાવી પાકની માવજત કરતા હાલમાં તેમની વાડીમાં જીરૂનો પાક લૂમેઝૂમે લહેરાઈ રહ્યો છે. પરંતુ પ્રવિણભાઈનો સારો પાક જોઈ ન શકનાર કોઈ ઈર્ષાળુ હરામીતત્વોએ ઉભા જીરાના પાકમા ખળ બાળવાની કે અન્ય કોઇ દવા છાટી દેતા હાલમાં અડધા ખેતરમાં જીરુંનો પાક બળીને ખાખ થઈ ગયો છે.

લીલાછમ અને લહેરાતા જીરૂના પાકમા રાત્રીના સમયે હરામખોર તત્વોએ પાક સુકાવાની દવાનો છટકાવ કર્યાના પુરાવા રૂપે વાડીમાં ઠેક ઠેકાણે પગેરું પણ મળી આવ્યા છે. ધનાળા ગામે બનેલી આ ઘટનાથી ખેડૂતને મોઢે આવેલ કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.