યુવાન બેભાન થયા બાદ છરીના ઘા ઝીંકયા: મૃત્યુનો ડર લાગતા આરોપીઓએ સારવાર પણ કરાવી
અબતક, મેહુલ ભરવાડ,હળવદ
હળવદ : હળવદમાં રેતીની કાળી કમાણી કરી બેફામ બનેલા અને દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ચંડાળ ચોકડીએ નિર્દોષ યુવાનને વગર વાંકે બેફામ માર મારી બેભાન કરી નાખ્યા બાદ ચાર ચાર કલાક સુધી ગોંધી રાખ્યો હતો અને યુવાન બેભાન થયો હોવા છતાં ખૂંન્નસ પૂર્વક યુવકના પગમાં છરીના ઘા ઝીકયા હતા. જો કે, આ યુવાન ભાનમાં ન આવતા આરોપીઓના વાયસર ઢીલા થઈ જતા કમ્પાઉન્ડરને બોલાવી યુવાનની સારવાર કરાવી હતી. બાદમાં ભાનમાં આવેલા યુવાને આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોવિદભાઇ લાલાભાઇ દોરાલા ઉ.26 નામના યુવાન ગત તા.17ના રોજ હળવદ આવ્યા હતા અને તેમના મિત્ર અને સાહેદ મુન્નાભાઈ સાથે ધરતીનગરમાં શક્તિસિંહના ઘર પાસે બેઠા હતા ત્યારે મુન્નાભાઈના ફોનમાં આરોપીઓએ ફોન કરતા ગોવિદભાઇ લાલાભાઇ દોરાલાએ ફોન ઉપાડી જવાબ આપતા આરોપીઓને સારું લાગ્યું ન હતું અને ક્યાં બેઠો છો કહી ધરતીનગરમાં આવી હુમલો કર્યો હતો.
વધુમાં રેતીનો ગેરકાયદે ધંધો કરવાની સાથે અનેક અસામાજિક પ્રવૃત્તિ કરતા આરોપી જીતેન્દ્રસિહ હિમતસિંહ પરમાર અને રાજદિપસિહ હિમતસિંહ પરમાર પોતાની સાથે અન્ય બે અજાણ્યા માણસોને લઈ આવ્યા હતા અને ઘટનાસ્થળે પહોંચી ગોવિદભાઇ લાલાભાઇ દોરાલા કઈ સમજે વિચારે તે પહેલાં જ માથામાં ધોકો ફટકારી દેતા પુષ્કળ લોહી વહી જતા ગોવિંદભાઈ ત્યાં જ ઢળી પડયા હતા.
માત્ર ફોન ઉપાડવા જેવી નાની બાબતમાં કાયદો હાથમાં લઈ યુપી બિહાર જેવી ગુંડાગીરી કરવા નીકળી પડેલા આરોપી જીતેન્દ્રસિહ હિમતસિંહ પરમાર અને રાજદિપસિહ હિમતસિંહ પરમાર અને તેના મળતીયાઓએ ગોવિંદભાઈ ઢળી પડવા છતાં માર મારવાનું ચાલુ રાખી બેભાન કરી નાખી બાદમાં પગમાં છરી તલવારના ઘા ઝીકયા હતા જો કે ગોવિંદભાઈની સ્થિતિ નાજુક જણાતા ચંડાળ ચોકડી ગભરાઈ ગઈ હતી અને તાકીદે એક સલીમ નામના કમ્પાઉન્ડરને બોલાવી ગોવિંદભાઈને ઇન્જેક્શન પણ આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.