કામના ભરણ મામલે બન્ને સરકારી બાબુઓ આમને સામને આવી ગયા : ચાલુ કચેરીએ ક્લાર્કએ નાયબ મામલતદારનો કાંઠલો પકડીને વાણી વિલાસ કરતા ભારે તમાશો, અંતે મામલતદારે દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડ્યો
હળવદની મામલતદાર કચેરીમાં આજે ભારે ફજેતો થયો હતો. જેમાં કામના ભારણ મામલે ક્લાર્કનો પિત્તો છટકતા તેણે નાયબ મામલતદારનો કોલર પકડી બેફામ વાણીવિલાસ કરતા ભારે તમાશો થયો હતો. જો કે સ્થિતિ વધારે વણસે તે પહેલાં મામલતદારે મામલો થાળે પાડ્યો હતો પરંતુ ક્લાર્ક અને નાયબ મામલતદાર બાખડી પડવાની ઘટનાએ અરજદારોમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. સામાન્ય બાબતે આ સરકારી બાબુઓ શિસ્ત અને સભ્યતા નેવે મુકતા તેમની છાપ લોકોમાં વધુ ખરડાઈ છે.
સામાન્ય રીતે અજ્ઞાન કે અભણ લોકો જ્યારે ઝઘડો કરતાં હોય છે ત્યારે તેને અભણ સમજીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ જે સરકારી બાબુઓ આખા તાલુકાનો વહિવટ કરતી હોય એમાં પણ નાયબ મામલતદાર જેવી પોસ્ટ પર બેસીને ક્લાર્ક સાથે બાખડી પડે તે કેટલું શરમજનક કહેવાય !! હળવદ મામલતદાર કચેરીમાં આજે સવારે કચેરી ખુલતાંની સાથે કામગીરી બાબતે નાયબ મામલતદાર અને ક્લાર્ક વચ્ચે થોડા મતભેદ થયા હતા જેમાં આ મતભેદ ઉગ્ર બનતા નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડ્યાં હતાં અને એકબીજાના કોલર પકડી લીધા હતા. જેથી ભારે ફજેતો થયો હતો અને ચાલુ કચેરીમાં આ બન્ને સરકારી બાબુઓ કામ બાબતે બાખડી પડતા ત્યાં હાજર અરજદારોમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી હતી.
આ મામલો વધુ વણસે તે પહેલા જ સમયસૂચકતા વાપરી મામલતદાર વીકે સોલંકીએ મામલો થાળે પાડી દીધો હતો. વેકેશન બાદ નવા સત્રની શરૂઆત થવાની તૈયારીઓ છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલાઓ કઢાવવા આવતા હોય છે ત્યારે કામગીરીનો બોજ પણ વધે છે ત્યારે આ દાખલાઓની કામગીરી વચ્ચે નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડતા અરજદારો થોડા સમય માટે અટવાઈ ગયાં હતાં .પરંતુ સમગ્ર મામલે મામલતદારે હસ્તક્ષેપ કરી થાળે પાડ્યો હતો જોકે હળવદ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડવાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતા સરકારી બાબુઓની આ હરકતથી લોકોમાં તેમની છાપ વધુ ખરડાઈ છે.