અજિતગઢ ગામે થયેલી મારામારીના કેસમાં રજનીકાંતને ૭ વર્ષ અને તેના પિતાને પ વર્ષની કેદ
હળવદના અજિતગઢ ગામે વર્ષ ૨૦૧૨માં કુહાડીથી હુમલો કરવાના ગંભીર બનાવનો કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી એવા કુખ્યાત
શખ્સ રજલો ઉર્ફે રજનીકાંત અને તેના પિતાને દોષિત ઠેરવી પુત્રને ૭ વર્ષની અને રૂ.૫૦ હજારનો દંડ તથા તેના પિતાને ૫ વર્ષની કેદ અને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ત્રીજા આરોપીને નિર્દોષ છોડી મુક્યો હતો.
આ મારામારીના કેસ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના અજિતગઢ ગામે રહેતા ભીખાભાઇ પરસોત્તમભાઈ પટેલે ગત તા. ૧૯ ફ્રેબ્રુઆરી ૨૦૧૨ના રોજ ગામના કુખ્યાત શખ્સ રજલો ઉફે રજનીકાંત પ્રેમજીભાઈ પટેલ તથા તેના પિતા પ્રેમજીભાઈ ગગજીભાઈ પટેલ અને મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, અંગત માથાકૂટનો ખાર રાખીને આરોપી રજલો ઉર્ફે રજનીકાંતે કુહાડી અને તેના પિતા પ્રેમજીભાઈએ ફરિયાદી પર લાકડીથી હુમલો કર્યો હતો.આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ જે તે સમયે હળવદ પોલીસે આ હુમલાના બનાવમાં આરોપીઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન આ હુમલાના બનાવનો કેસ પી.ડી.જેઠવા એડી ચીફ.જ્યૂડી.મેજી.સાહેબની કોર્ટમાં આજે ચાલી જતા સરકારી વકીલ એ.પી.મારવણીયાએ કુહાડીથી હુમલો કરવાનો બનાવ ગંભીર હોવાની દલીલ સાથે આરોપીઓ વિરુદ્ધ ૧૩ મૌખિક અને ૧૩ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા કોર્ટ આ ગંભીર બનાવમાં કુખ્યાત શખ્સ રજલો ઉર્ફે રજનીકાંતને કલમ ૩૨૬ હેઠળ દોષિત ઠેરવી ૭ વર્ષની કેદ તથા રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.તેમજ તેના પિતા પ્રેમજીભાઈ પટેલને કલમ ૩૨૫ હેઠળ દોષિત ઠેરવી ૫ વર્ષની સજા અને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.જ્યારે ત્રીજા આરોપી મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલને નિર્દોષ છોડી મુક્યો હતો