કાઠિયાવાડી સંસ્કૃતિમાં મેળાનું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાના મેળા મશહુર છે. સાતમ-આઠમ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન લોકોએ મેળાની મોજ માણી. પરંતુ આ મેળો પૂરો થયો છે. ગુજરાતમાં એવા કેટલાય મેળા થાય છે જેનાથી આપણે અજાણ છીએ. સમગ્ર વર્ષ દરમિયાન 1521 જેટલા મેળા યોજાઇ છે, જેમાં સૌથી વધુ મેળા 159 સુરત જિલ્લામાં યોજાય છે તો સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં યોજાય છે.
તો ચાલો જાણીએ ગુજરાતના સુપ્રસિદ્ધ મેળા વિશે:
તરણેતરનો મેળો
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર નામના ગામમાં ત્રીનેશ્વર મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે. ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ્ઠના દિવસે આ મેળો ભરાઈ છે. દર ભરત ભરેલી છત્રીઓ આ મેળાની વિશિષ્ટતા છે. આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ “હુડા” નુત્ય કરે છે અને કોળી બહેનો ત્રણ તાળી રાસ રમે છે. આ મેળાને “ગુજરાતના ભાતીગળ” મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પલ્લીનો મેળો
ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમ (૯)ના દિવસે ભરાતો પ્રસિધ્ધ મેળો છે. દેવી વરદાયિની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે. વરદાયિની માતાના પ્રાંગણમાં પલ્લીનો મેળો યોજાય છે. જેમાં 8 લાખ કરતા વધુ ભક્તો માતાના દર્શન કરે છે. રૂપાલના પલ્લીના મેળામાં ઘીની નદીઓ વહે છે.
કાર્તિક-પૂર્ણિમાનો સોમનાથનો મેળો
કાર્તિક સુદ તેરસ – ચૌદસ અને પૂર્ણિમાના દિવસે ધૂધવતા સાગરતટે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પ્રતિવર્ષ ભવ્ય મેળાનું આયોજન થાય છે.જેમાં આસપાસના ગ્રામ વિસ્તારો તેમજ વેરાવળના શહેરીજનો બહોળી સંખ્યામાં ઊમટી પડે છે.
ભાદરવી પૂર્ણિમાનો અંબાજીનો મેળો
ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે પ્રતિવર્ષ લોકમેળો યોજાય છે. આ મેળાનું ભકતજનો અને શ્રધ્ધાળુઓમાં ખૂબ મોટું માહાત્મય છે. જેમાં ખેડૂતો તેમજ અન્ય સર્વકોમના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઊતરી પડે છે.
રણુજા મંદીરનો મેળો
ગુજરાતના જામનગર જિલ્લાનાં કાલાવડ શહેરથી 8 કિમી ઉતર દિશાએ રણુજા મંદીર આવેલું છે. આ મંદીર રામદેવપીરનું છે. ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.
વૌઠાનો મેળો
અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ – સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે.આ મેળો કારતક સુદ અગીયારસથી કારતક સુદ પૂનમ (દેવ દિવાળી) સુધી ચાલે છે.ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી.તેઓ કાર્તિક પૂર્ણિમાને દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણપાદુકાનું પૂજન થાય છે.
શામળાજીનો મેળો
અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીને કાંઠે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં આ મેળો ભરાય છે.શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાતો મેળો છે. શામળાજીનો મેળો દેવઊઠી અગિયારસથી પૂનમ સુધી ભરાય છે, જે ગુજરાતનો સૌથી લાંબા સમય સુધી ચાલતો મેળો છે.આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે, આ લોકો શામળાજી (બળીયા બાવજી) માં ખૂબ શ્રદ્ધા ધરાવે છે.ગુજરાતના વિવિધ પ્રદેશો તેમજ રાજસ્થાન રાજ્યમાંથી પણ લોકો આ મેળામાં આવે છે.