હોલમાર્કિંગ માટે સરકારે ઓનલાઈન રજિસ્ટ્રેશન વ્યવસ્થા ગોઠવી: સર્ટીફિકેટ મળશે
સોનાની ખરીદીમાં આગામી ૨૦૨૧થી હોલમાર્કિંગ ફરજિયાત થવા જઈ રહ્યું છે. વર્તમાન સમયે પણ ઘણા સ્થળે હોલમાર્કિંગ વ્યવસ્થા જવેલર્સ આપે છે. પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હોલમાર્કિંગના નામે ડિંડક ચાલતુ હોવાની ફરિયાદ અવાર-નવાર ઉઠી છે. જેના પરિણામે સરકારે આખી વ્યવસ્થા જ ઓનલાઈન કરવાનું નક્કી કર્યું છે. દસકાઓ પહેલા સોનુ ખરીદતી વખતે જવેલર્સની ખરાઈ ઉપર લોકોને હંમેશા શંકા રહેતી હતી. આવી જ સ્થિતિ આજે પણ છે. સરકારે ખરાઈ માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા વારંવાર પ્રયત્નો કર્યા છે પરંતુ તેના હજુ પરિણામ આવ્યા નથી. દરમિયાન આભાસી હોલમાર્કિંગ એટલે કે, ડિંડકને રોકવા માટે હવે ઓનલાઈન સર્ટીફીકેટ મળશે.
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને ગોલ્ડના હોલમાર્કિંગ સેન્ટર મામલે ઓનલાઈન પદ્ધતિની અમલવારી થવાની જાહેરાત કરી હતી. આ ઓનલાઈન પદ્ધતિથી જવેલર્સને ઓનલાઈન હોલમાર્કિંગ કરવામાં સરળતા રહેશે. વર્તમાન સમયે હોલમાર્કિંગ ફરજિયાત નથી પરંતુ ગુણવતાના ધારા-ધોરણોને અનુસરી આગામી ૨૦૨૧ના જૂન મહિનાથી હોલમાર્કિંગ ફરજિયાત બનાવાશે. દેશના ૨૩૪ જિલ્લામાં ૯૨૭ હોલમાર્કિંગ સેન્ટર છે. હોલમાર્કિંગ માટે દેશમાં ૩૧૦૦૦ જવેલર્સ નોંધાયા છે. જેની સંખ્યા હવે ૫ લાખ સુધી થઈ જશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા તમામ માટે વીન-વીન પોઝિશન જેવી છે.
કેન્દ્રની સંસ્થા દ્વારા ઓનલાઈન હોલમાર્કિંગ બાદ ઓડિટ પણ થશે. ઓડિટ રિપોર્ટ પણ મુકાશે અને સર્ટીફીકેટ પણ ગ્રાહકને મળશે. જેથી અત્યારે હોલમાર્કિંગ બાબતે હાથ ઉંચા કરવાની કેટલાક જવેલર્સની નીતિ બંધ થઈ જશે. હોલમાર્કિંગ માટેની અરજીઓનું તે જ ક્ષણે મોનીટરીંગ થશે. આ બાબતે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાર્ડડ પણ આગળ આવ્યું છે અને ઓટોમેટીક કામગીરી ઓનલાઈન થાય તે માટેના પગલા લઈ રહ્યું છે. આ પદ્ધતિ આગામી ૨૦ ડિસેમ્બરથી અમલમાં પણ આવી જશે.
ગ્રામ્ય વિસ્તારો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત
રામ વિલાસ પાસવાનના મત મુજબ ગ્રામ્ય વિસ્તારમાં સોનાના હોલમાર્કિંગ પુરતી જાગૃતિ નથી. આગામી સમયમાં હોલમાર્કિંગ ફરજિયાત થવા જઈ રહ્યું છે ત્યારે દેશના દરેક જિલ્લામાં હોલમાર્કિંગ સેન્ટર સ્થપાય તેવી તૈયારી કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સોનાની શુદ્ધતા મામલે હોલમાર્કિંગ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે.