ગૃહિણી સહિત દરેક પરિવારો માટે અગત્યનો પસંદીદા વિષય હોય તો તે છે સોનું, સુવર્ણ, કહો કે ગોલ્ડ આજે લગભગ પ્રત્યેક ઘર પછી તે ગરીબમાં ગરીબ પરિવાર પણ કેમ ન હોય તેના ઘરમાં છેલ્લી બાકી એક નાનકડી બાલી તો હશે જ, ત્યારે સરકાર દ્વારા હોલમાર્કનો જે કાયદો આવ્યો તેમાં સોની મહાજનો મુંઝવણમાં મુકાયા, તો આજે ‘અબતક’ લઇને આવ્યુ છે કે સોનામાં હોલમાર્કીંગ શું છે? તે ક્યારથી શરૂ થયું અને લોકોને તેનાથી શું ફાયદો છે.

પહેલાના જમાનામાં માત્ર એક પથ્થર ઘસીને અનુભવી સોનીઓ સોનાની શુધ્ધતા અને ગુણવત્તા ચકાસી લેતા

સમગ્ર ગુજરાતમાં આશરે 84 હોલમાર્કીંગ સેન્ટરો અને રાજકોટમાં 6 સેન્ટરો આવેલા છે

હોલમાર્કનો કાયદો અમલમાં આવ્યા પૂર્વે પોતાના સોની પ્રત્યેનો ‘વિશ્વાસ’ એ જ હોલમાર્ક ગણાતો

સરકારે આ કાયદાને અમલમાં મુક્યો તેનું એકમાત્ર કારણ એ કે ગ્રાહકે ખર્ચેલા પૈસાનું તેને પુરેપુરુ વળતર મળી રહે. તેથી સરકાર દ્વારા આપવામાં આવેલા બીએસઆઇ સ્ટાન્ડર્ડને નામ આપ્યું હોલમાર્ક અને તેને ત્રણ સ્ટાન્ડર્ડમાં બાયફરગેટ કરાયા જેમાં 18,22 અને 24નો સમાવેશ થાય છે. આની પાછળનો એક જ હેતુ કે આજે જ્વેલર્સમાં દિનપ્રતિદિન વધતી જતી સ્પર્ધાના કારણે ગ્રાહકો છેતરાય નહીં તેમજ જ્વેલર્સો પોતાની શાખ, ગુડવીલને ટકાવી રાખવા કંઇ પણ પગલું ન લે તેના માટે સરકાર આ કાયદો અમલમાં મુક્યો છે. તે અંગે કેટલીક મહત્વની ચર્ચા, જેમાં આજે આપણી સાથે છે જગદીશભાઇ ઝીંઝુવાડીયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી તેમજ બોર્ડ મેમ્બર રમેશભાઇ લોલારીયા તો ચાલો જાણીએ સોનામાં હોલમાર્ક વિશે કેટલીક રસપ્રદ વાતો…

પ્રશ્ન: હોલમાર્કીંગ એટલે શું ? તે ક્યારથી શરૂ થયું?

જવાબ: સોનીઓ માટે સૌથી અગત્યનું હોલમાર્કીંગ જ છે. જેના કારણે સોનીઓમાં કોમ્પીટીશન ખૂબ જ વધી છે. સરકારના બીઆઇઆઇ એટલે કે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જે સોનામાં સ્ટાન્ડર્ડ નક્કી કરાયુ તેને હોલ માર્કીંગ કહે છે. હોલ માર્કીંગના ત્રણ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ આ પ્રશ્ન ખૂબ મોટો બન્યો છે. અનેક ગામડાઓમાં લોકો 12 કેરેટમાં જ દાગીના બનાવવા માંગે છે તો એ હવે શક્ય નથી. જ્યારે અમુક વિસ્તારોમાં દાગીના 20 કેરેટના હોય છે તો તેવા દાગીનાનું હવે શું કરવાનું તેને માન્યતા હવે કઇ રીતે મેળવવી ? આવા મોટા પ્રશ્નો ઉદ્ભવ્યા છે ? તેથી જે 14,18,22 કેરેટના સિવાયના જે દાગીના છે તેને હવે રીસાયકલીંગ કરવું પડે ત્યારે રીસાયકલીંગ કરવામાં ખૂબ મોટો ખર્ચ થાય અને બીજી અન્ય નુકશાનીમાં પણ ઘણો વધારો થાય છે.

પ્રશ્ન: પહેલાના સમયમાં હોલમાર્કીંગની સિસ્ટમ ન હતી ત્યારે લોકોને પોતાના ફેમેલી સોની કે જ્વેલર્સ હોય છે. ત્યારે લોકોમાં વિશ્ર્વાસ જ હોલ માર્કીંગ હતું પછી હવે હોલમાર્કીંગ લાગવું ફરજીયાત બન્યું છે અને 18 જૂન સુધીમાં હોલમાર્કીંગ ફરજીયાત પણે કરાવવું બન્યું છે ? ત્યારે આ ત્રણેય તબક્કામાં કઇ રીતની વ્યવસ્થા છે?

જવાબ: પચાસ વર્ષ પહેલા સોનાની શુધ્ધતા તપાસવા માટેના કોઇ સાધનો ન હતાં. પરંતુ અત્યારના સમયમાં સોનાની શુધ્ધતા તપાસવાના સાધનો આવી ગયા છે. જેથી કેટલા પ્રમાણમાં શુધ્ધ છે એ જાણી શકાય છે. તેથી સરકારે તેના પર નિર્ણય લેવાનું નક્કી કર્યું. દાગીના બનાવવા માટે ઘણી બધી પ્રોસેસ થાય છે. જેમાં નાના-મોટ ઘણા કારીગરોનો ઉપયોગ થતો હોય છે. જેમાં આ કારીગરો ક્યાંક ભેળસેળ કરે તે ચકાસવા માટે પેલા કોઇ સાધનો ન હતાં. માત્ર એક પથ્થર ઘસીને અનુભવી સોનીઓ શુધ્ધતા ચકાસતા હતાં. એટલે દેશી પધ્ધતી પ્રમાણે જે અગાઉ સોળ વલુ કહેવામાં આવતું. આ સોળ વલાને નવા સ્વરૂપમાં ચોવીસ કેરેટ કહેવામાં આવે છે.

“જેમ એક મણ કહેવામાં આવતું તેને હવે વીસ કિલો કહે છે.” સૌ ટકા શુધ્ધ સોનું એટલે ચોવીસ કેરેટ કહેવાય. એટલા માટે સરકારે આજથી વીસ વર્ષ પહેલા હોલ માર્કીંગ મરજીયાત કર્યું હતું. અને અમુક સોનીઓ, હોલમાર્કીંગ વાળા દાગીના વહેંચતા પણ મોટા ભાગના સોનીઓ આ પ્રમાણે વેંચાણ ન કરતા તેની હવે સરકારે હોલમાર્કીંગ ફરજીયાત કર્યું છે. આ હોલમાર્કના કાયદાને અમે આવકાર્ય છે. કારણ કે લોકોને હવે સબૂત મળે છે કે આ દાગીનો 18 કેરેટ સ્ટેમ્પવાળો છે. એટલે 18 કરેટનો જ હશે. જ્યારે પહેલા આવું નહોતું બધું વિશ્ર્વાસ પર ચાલતું હતું.  હોલમાર્કીંગ એટલે ગ્રાહક જે કિંમત માટેના કેરેટના પૈસા ચૂકવે છે તેજ કેરેટનું સોનું તે પ્રાપ્ત થાય છે. જેને કારણે ગ્રાહકોને સોનીઓ પ્રત્યે જે અવિશ્ર્વાસ હતો એ દૂર થાય છે. આ કારણોથી અમે હોલમાર્કીંગના કાયદાને સ્વીકાર્ય છીએ.

પ્રશ્ન: જેમ્સ અને જ્વેલર્સ આ કાયદાને સ્વીકારે છે તો તમારી માંગણી શું છે?

જવાબ: હોલમાર્કનું લાયસન્સ બી.આઇ.એસ. પાસેથી લેવું પડે છે. હવે જે નાના સેન્ટરો છે તેને આ હોલમાર્કીંગ સેન્ટર ઉભું કરવું ખૂબ જ ખર્ચાળ છે. તેથી જો તેની રોકેલું નાંણુ પણ ન નીકળે તો હોલમાર્કીંગ સેન્ટર નાના તાલુકાઓ ગામડાઓમાં બનશે નહીં. તેથી નાના સીટી ગામડાના લોકો મોટા સેન્ટર જેવા કે રાજકોટ હવે રાજકોટ આવા સેન્ટરો પાસે તેટલું મોટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે આવા પ્રકારના પ્રશ્નો સર્જાય છે.

પ્રશ્ન: રાજકોટમાં હોલમાર્કીંગ સેન્ટરો કેટલા છે?

જવાબ: સમગ્ર ગુજરાતમાં આશરે “ચૌર્યાસી” હોલમાર્કીંગ સેન્ટરો આવેલા છે. રાજકોટ શહેરમાં કુલ છ હોલમાર્કીંગ સેન્ટરો છે. અને રાજકોટ સમગ્ર જીલ્લામાં માત્ર ઉપલેટા અને ગોંડલ એમ ‘બે’ જગ્યાએ હોલમાર્કીંગ સેન્ટર આવેલા છે. તેથી અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આવા કિંમતી દાગીનાને લઇને સેન્ટર જવું ખૂબ જ જોખમી છે.

પ્રશ્ન: જેમ્સ અને જ્વેલરી સરકાર ખાતે ચોક્કસ કઇ રીતની માંગણી કરે છે?

જવાબ: ઉદાહરણ તરીકે કે જસદણમાં કોઇ સોનીએ ઇન્વેસ્ટમેન્ટ કરીને હોલમાર્કીંગ સેન્ટર ઉભું કરે તો ત્યાં શક્ય છે જે કારણ એ છે કે ત્યાં એટલો ભાવ જ નથી. તેથી આવા નાના શહેરમાં હોલમાર્કીંગ સેન્ટરો બનાવવા માટે સરકારે વધુમાં વધુ સબસીડી આપવી જોઇએ અન્યથા આ પ્રશ્ન ખૂબ મોટો બનશે.

પ્રશ્ન: જો સરકાર બધા નાના શહેરોમાં હોલમાર્કીંગ સેન્ટરો બનાવે તો પણ જે નાના ગામડાઓના સોનીઓ છે. તેમને તો શહેર સુધી આવવું જ પડશે તેથી તેનું કંઇ નિવારણ?

જવાબ: ગામડાઓની વસ્તી બે-ત્રણ હજાર જેવી હોય છે. ત્યાં એક જ સોની હોય તો એક ગામ માટે હોલમાર્કીંગ સેન્ટર બનાવવું શક્ય નથી. પરંતુ જો દરેક તાલુકા શહેરમાં જો સરકાર તરફથી સીતેર ટકા જેટલી “ઇન્ફાસ્ટ્રક્ચર” માટેની સબસીડી મળે તો દરેક તાલુકામાં આ સેન્ટરો બની શકે છે.

પ્રશ્ન: સરકાર તરફથી તમારી માંગણીનો કોઇ સંતુષ્ટ જવાબ ન મળે તો એસોસિએશનનું આગળનુ પ્લાનીંગ શું છે?

જવાબ: અમારું સમગ્ર એસોસિએશન એટલે કે જેમ્સ અને જ્વેલરી એસોસિએશન ઇન્ડિયાના પ્રમુખો જે સરકાર સાથે મળીને યોગ્ય નિવારણ લાવશે એવી અમને આશા છે.

પ્રશ્ન: સોનાના કેરેટ વિશે લોકોને ખબર નથી જેમ કે 24 કેરેટ એટલે શું, 22 કેરેટ એટલું શું, એ જણાવો?

જવાબ: જે સો ટકાનું સોનું હોય છે. એ 24 કેરેટ ગણવામાં આવે છે. તેથી આ 24 કેરેટને આપણે શુધ્ધ સોનું કહી શકીએ છે. આમાં કોઇ પણ પ્રકારની મિલાવટ નથી હોતી જ્યારે સોનાની પ્રકૃતિ નરમ હોય છે. તેમાં ઘસારો વધારે લાગે છે. એટલે લોકો 24 કેરેટ સોનું બનાવવાનું ઓછુ પસંદ કરે છે. જ્યારે 24 કેરેટ સોનામાં આકાર ન બદલાય તે માટે તેમાં અમુક ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે. આ ધાતુઓ પણ સારી ગુણવત્તાની હોય છે. એટલે પછી 22 કેરેટનું સોનું બને પછી 20 કેરેટનું સોનું બને છે. 14,18,20, કે 22 કેરેટનું માપ મેથેમેટીકલ રીતે થાય છે. જેમ કે 24 કેરેટના સોનામાં આપણે મેથેમેટીકલ્સ રીતે કેટલી ધાતુઓ ઉમેરીને 22 કેરેટ સુધી લઇ આવી શકીએ છીએ. બીજા સોનાની બનાવટમાં જે હાથના ઉ5યોગથી જે ઘડામણ થાય છે. તેમાં થોડીક ખામીઓ જોવા મળે છે.

એટલે પ્રેક્ટીકલ વાત છે કે હાથથી બનાવેલો દાગીનો 22 કેરેટનો હોય શક્ય નથી કે તે પરફેક્ટ 22 કેરેટનો જ હોય તેમાં થોડું એકથી બે ટકા ઓછું, વધ-ઘટ થઇ શકે છે. સોનીઓમાં મોટા પ્રશ્નો છે કે 22 કેરેટ 91.5%નું સચોટ દાગીનો બનાવો મુશ્કેલ છે. કારણ કે દાગીનો હાથથી બનતો હોય તેથી થોડુંક ઓછુ વધઘટ થવાની શક્યતા છે તેથી સરકારને પણ આ બાબતે વિચારીને નિર્ણય લેવો જોઇએ.

પ્રશ્ન: આ વિવાદને લઇને એક સોની તરીકે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી તરીકે લોકોને શું કહેવા માંગો છો?

જવાબ: જગદીશભાઇએ લોકોને એક જ સંદેશ આપ્યું કે ધીરજ રાખો જે થાય એ સારા માટે જ થાય છે. મુશ્કેલીઓ ભલે ગમે તેવી આવે પણ આપણે જ એનો સામનો કરવાનો છે. આપણે સાથે મળીને કોઇપણ પ્રશ્નનું નિવારણ કાઢી શકીએ છીએ. આપણે આશા રાખીએ છીએ કે જેમ્સ અને જ્વેલરી એસોસિએશનની દરેક માંગણીઓની સરકાર દ્વારા પૂરી તપાસ થાય અને તેનું યોગ્ય નિવારણ મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.