નવનીત વોરા મેન ઓફ ધી મેચ: જયદેવ ઉનડકટ બન્યો મેન ઓફ ધી સિરીઝ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ-2માં ગોહિલવાડ ગ્લેડિયર્સને 40 રને પરાજય આપી હાલાર હિરોઝે ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી છે. ફાઇનલ મેચમાં 22 રન આપી 3 વિકેટો ખેડવનાર નવનીત વોરાને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે જયદેવ ઉનડકટને મેન ઓફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
ફાઇનલ મેચમાં ગોહિલવાડ ગ્લેડિયર્સના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાલાર હિરોઝની ટીમે પાર્થ ચૌહાણના 39 રન, ચિરાગ સિસોદીયાના 32 રન અને સુકાની અર્પીત વસાવડાના 26 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 162 રન નોંધાવ્યા હતા. જયદેવ ઉનડકટે બે વિકેટ અને કુલદીપ રાવલે 2 વિકેટો ખેડવી હતી. 163 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ગોહિલવાડની ટીમ માત્ર 17.5 ઓવરમાં 122 રનમાં ઓલ આઉટ થઇ જતા હાલાર હિરોઝની ટીમનો 40 રને શાનદાર વિજય થયો હતો અને SPL-2માં ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી હતી.
ગોહિલવાડ વતી કુલદીપ રાવલે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જ્યારે પ્રેરક માંકડે 23 રન ફટકાર્યા હતા. હાલાર વતી નવનીત વોરાએ 22 રન આપી ત્રણ વિકેટ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 31 રનમાં 3 વિકેટ અને હિતેન્દ્ર જાડેજાએ બે વિકેટો ખેડવી હતી. હાલાર હિરોઝના બોલર નવનીત વોરાને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં બેટ તથા બોલથી શાનદાર પ્રદર્શન કરનાર જયદેવ ઉનડકટને મેન ઓફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.