જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓના વોર્ડમાં તેમના સગાઓને રહેવા દેવાની માંગ સાથે ગઈકાલે સાંજે દર્દીના સગાઓએ હંગામો મચાવ્યો હતો. જોકે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ કોઈને સાથે રહેવા દેવામાં આવશે નહીં તેમ જણાવી દેવાયું હતું અને બાદમાં સિવિલ હોસ્પિટલના બંન્ને મુખ્ય ગેટ ઉપર પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો તહેનત કરી દેવામાં આવ્યો હતી અને હોસ્પિટલની અંદર દર્દીના સગાઓ માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના લગભગ પાંચેક માળ ઉપર કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને દર્દીઓના સગાઓ કોરોના પોઝિટિવ દર્દીઓના પલંગ ઉપર બેસે છે, સુવે છે અને કોઈપણ જાતના નિયમોનું પાલન કરતા નથી તેવી ગંભીર ફરિયાદ જૂનાગઢ ખાતે આવેલ મુખ્યમંત્રી સમક્ષ થતાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી એ જિલ્લા કલેકટરને સિવિલ હોસ્પિટલના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે વોર્ડમાં તેમના સગાઓને પ્રવેશવા દેવા નહિ તેવી કડક સુચના આપી હતી.જેના પગલે બે દિવસ અગાઉ જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પીઆઈ અને પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ચેકીંગ દરમિયાન કોરોના વોર્ડમાં દર્દીઓ સાથે રહેતા તેમના સગાઓને બહાર કાઢવામાં આવ્યા હતા.દરમિયાન ગઈકાલે સાંજે કોરોના ગ્રસ્ત દર્દીઓના 200 થી વધુ સગાઓ સાંજના સમયે એકઠા થયા હતા અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ની ચેમ્બર આગળ બેસી જઈને હંગામો મચાવી, કોરોના વોર્ડમાં તેમના આત્માજનની સેવા ચાકરી માટે અંદર પ્રવેશ આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે આ મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. સુશીલ કુમારે ઇનકાર કરતાં જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના ગ્રસ્ત દર્દીના વોર્ડમાં કોઈ જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં, અને જે કોઈ પ્રવેશાસે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન આ મામલે પોલીસને જાણ કરતાં ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, અને લોકોને હોસ્પિટલ બહાર કાઢવામાં આવ્યા હતા. અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના બંને મુખ્ય દરવાજા ઉપર પીઆઇ તથા પોલીસ અધિકારી સાથે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને દર્દીના સગાઓને હોસ્પિટલમાં પ્રવેશવા દેવામાં આવતા નથી.
આ મામલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓના જણાવ્યા અનુસાર, કોરાના દર્દીઓની હાલચાલ તેમના પરિવારજનો સુધી પહોંચે અને દર્દી સુધી ચીજ વસ્તુઓની આપ-લે થાય તે માટે કોઈ જ પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી આ સિવાય દર્દીઓના વોર્ડમાં સીસી કેમેરા દ્વારા બહાર બેસી તેમના પરિવારજનો દર્દીની હાલચાલ જોઈ શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે ક્યારેક દર્દી તકલીફમાં હોય ત્યારે તેમની સારસંભાળ લેવાવાળું કોઈ હોતું નથી અને તંત્ર દ્વારા આ વ્યવસ્થા ઊભી નથી કરાઈ ત્યારે તેમના પરિવારજનોને હોસ્પિટલમાં તેમના દર્દીને સારસંભાળ માટે જવા દેવા જોઈએ તેવી ઉગ્ર માંગ પણ કરી હતી.