31મીએ સમગ્ર રાજ્યના 137700 વિદ્યાર્થીઓ રાજ્યના 34 કેન્દ્રો પરથી સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ગુજકેટની પરીક્ષા આપશે
અબતક, રાજકોટ ન્યૂઝ : શિક્ષણ બોર્ડ઼ દ્વારા ઈજનેરી- ફાર્મસીમાં પ્રવેશ માટે 31 માર્ચના રોજ લેવાનારી ગુજકેટની હોલટિકિટ ઓનલાઈન અપલોડ કરી છે. વિદ્યાર્થીઓ તથા સ્કૂલોએ વેબસાઈટ પરથી હોલટિકિટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પરીક્ષા વખતે હોલટિકિટ સાથે વિદ્યાર્થીઓએ પોતાનો એક ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે. હોલટિકિટની પ્રિન્ટ કાઢ્યા બાદ તેની પર શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવવાની જરૂર નથી. માત્ર હોલટિકિટ અને આઈડી પ્રૂફના આધારે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે.શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચના રોજ ગુજકેટ લેવામાં આવનાર છે. ગુજકેટમાં સમગ્ર રાજ્યના 137700 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને રાજ્યના 34 કેન્દ્રો પરથી સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ગુજકેટ લેવામાં આવનાર છે.
ગુજકેટમાં સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે, અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં. અમદાવાદ શહેરમાં 62 શાળામાં ગુજકેટ પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્કૂલના આચાર્યને સ્થળ સંચાલક તરીકેના ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ગુજકેટ માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓની હોલટિકિટ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.
આ ઉપરાંત શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી રાજ્ની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજિર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને શાળાના ગુજકેટના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.ગુજકેટ માટેના એડમિશન કાર્ડ ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટિકિટ પર શાળાના આચાર્યોના સહી-સિક્કા કરાવવાની જરૂર નથી. ગુજકેટ પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ સાથે કોઇ પણ એક ફોટો આઇ.ડી પ્રૂફ(આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ-12ની પરીક્ષાની હોલટિકિટ) સાથે લઇ જવાની રહેશે. આમ, હોલ ટિકિટ સાથે એક ફોટો આઈડી પ્રૂફના આધારે વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે.