ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 13 જુલાઈના રોજ ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. આ પૂરક પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેથી શાળાઓએ વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે 13 જુલાઈના રોજ શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે.
શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા માટેની હોલ ટિકિટ વેબસાઈટ પર સોમવારના રોજ અપલોડ કરી દીધી છે. જેથી શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી શાળાનો ઈન્ડેક્સ નંબર તથા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગઇન કરી ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટમાં વિષય સહિતની વિગતો ચકાસણી વિદ્યાર્થીઓને સહી-સિક્કા કરીને આપવાની રહેશે. જો હોલ ટિકિટમાં વિસંગતતા હોય તો બોર્ડ સમક્ષ 3 દિવસમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે.
ઉપરાંત ધો.12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયની પરીક્ષા પૃથક ઉમેદવાર તરીકે આપનારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 13 જુલાઈના રોજ બપોરના 3 વાગ્યાથી 6.15 દરમિયાન લેવામાં આવનાર છે. આ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પણ બોર્ડ દ્વારા વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ વિદ્યાર્થીઓને સહી-સિક્કા કરી આપવાની રહેશે.