હોળી તેમજ ધૂળેટીના પર્વ નિમિત્તે હળવદ શહેરમાં ધંધાર્થીઓ ઘરાકીની આશ લગાવીને બેઠા છે તો સરકારે લાગુ કરાયેલા જીએસટીથી રંગબેરંગી કલર તેમજ પિચકારી જેવી વસ્તુઓના ભાવ પર ગત વર્ષની તુલનાએ આ વર્ષે પથી ૧૦ ટકા ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ધંધાર્થીઓમાં મંદીનો માહોલ વર્તાયો છે.
હળવદ શહેરમાં હોળીનો તહેવાર યુવાવર્ગમાં પ્રિય છે તેમજ યુવાનો આ તહેવારને ઉમંગ અને ઉત્સાહથી ઉજવતા હોય છે ત્યારે શહેરમાં તહેવારના ટાંકણે પિચકારી, સ્પ્રે સહિત અવનવા કલરો જોવા મળી રહ્યા છે જોકે હળવદની બજારોમાં કેમિકલવાળા કલર નહિવત છે. તો સાથોસાથ શહેરના મેઇન બજાર, સરા ચોકડી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ધુળેટીના સપરમાં રંગબેરંગી કલર, પિચકારી, ખજૂર, ધાણી સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે પરંતુ ધંધાર્થીઓના જણાવ્યા મુજબ શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે