MBA ની 15246માંથી 9159 અને MCAમાંની 6127માંથી 3085 બેઠકો ખાલીખમ્મ

રાજ્યની એમ.બી.એ.-એમ.સી.એ. કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠક સિમેટ વગર ભરવા માટે કોલેજને સોંપી દેવામાં આવી હતી. કોલેજોએ અંદાજે 12 હજારથી વધારે બેઠક સિમેટ આપી ન હોય તેવા વિદ્યાર્થીઓથી ભરીને પ્રવેશ સમિતિમાં ફાઇલ જમા કરાવી દીધી છે. આમ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સિમેટ આપીને એમ.બી.એ.-એમ.સી.એ. કરનારા વિદ્યાર્થીઓ કરતા સિમેટ વગર વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવો પડ્યો છે. આમ છતાં એમ.બી.એ.માં કુલ 15246 પૈકી 6127 અને એમ.સી.એમાં 6237 પૈકી 3085 બેઠક ખાલી પડી છે.

એમ.બી.એ.ની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં કુલ 558 બેઠક ઉપલબ્ધ હતી. જે પૈકી ઓનલાઇન પ્રવેશ દરમિયાન 518 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. જ્યારે ચાર વિદ્યાર્થીઓને ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ તમામ રાઉન્ડ પછી ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોની 36 બેઠક ખાલી પડી હતી. આજ રીતે ખાનગી એમ.બી.એ. કોલેજોમાં કુલ 14688 બેઠક ઉપલબ્ધ હતી. જે પૈકી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 2154 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ સ્વનિર્ભર કોલેજોની 9119 બેઠકો ખાલી પડી હતી.

નિયમ પ્રમાણે ખાલી બેઠક નોન સિમેટથી ભરવા માટે સંચાલકોને આપવામાં આવ્યા બાદ 3415 બેઠક પર નોન સિમેટ એટલે કે સિમેટ આપી નથી. તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. આમ એમ.બી.એ.માં સિમેટ આપી હોય તેવા કુલ 2676 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો જેની સામે સિમેટ આપી નથી તેવા 3415 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ એમ.બી.એ.ની કુલ 15246 બેઠક પૈકી 6087 બેઠકો ભરાતાં 9 હજારથી વધુ બેઠકો ખાલી પડી હતી. એમ.સી.એ.માં પણ આ સ્થિતિ જોવા મળી હતી. એમ.સી.એ.માં પણ સિમેટ કરતા નોન સિમેટથી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.