તણાવના કારણે ૫૩ ટકા પોલીસ કર્મચારીઓમાં અપરાધ ભાવના, આક્રમકતા, મુડમાં એકાએક ફેરફાર, ઓછી નિંદ્રા સહિતની ગંભીર અસરો જોવા મળતી હોવાનું અભ્યાસનું તારણ
રાજયમાં કાયદો અને સુરક્ષા જાળવવા માટે ફરજ પર રહેલા અડધો અડધ રક્ષકો તણાવગ્રસ્ત હોવાનું ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના એક અભ્યાસ પરથી ફલીત થયું છે. ગુજરાતમાં ૫૩ ટકા પોલીસ કર્મચારીઓ તણાવથી પીડાય છે.
તાજેતરમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ)ના પ્રોફેસર ડો.પ્રિયાંકા કેકર અને એમફીલના વિદ્યાર્થી સોનલ સેન સહિતના દ્વારા સર્વેના આંકડા જાહેર કરાયા હતા. જેમાં જણાવાયું હતું કે, ડીએસપીથી લઈ કોન્સ્ટેબલ સ્તરના ૫૩ ટકા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તણાવથી પીડાય છે.
આ અભ્યાસમાં ગુજરાતમાં વિવિધ ફરજ બજાવતા ૧૦૦ જેટલા પોલીસ જવાનોને આવરી લેવાયા હતા. સ્ટડીના પરિણામથી ફલીત થયું હતું કે, તણાવના કારણે પોલીસ જવાનોના વ્યક્તિત્વ ઉપર પણ અસર થાય છે. એકાએક મુડ ફરી જાવો, ઓછી ઉંઘ, ચીડચીડયું વ્યક્તિત્વ સહિતની આડઅસરો તણાવના કારણે પોલીસ જવાનોમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા ડીજીપી શિવાનંદ ઝાએ કરેલા સુધારાના કારણે પોલીસ કર્મચારીઓની સ્થિતિમાં મહદઅંશે સુધારો જોવા મળી ર્હ્યો છે.
પોલીસ કર્મચારીઓના માનસીક તણાવને કારણે તેમના અંગત અને વ્યવસાયી જીવન પર અસર પડે છે, અપરાધી લાગણી ઉત્પન્ન થાય છે, માનસીક અસ્થિરતા આવે છે, સ્વાયતતાનો અભાવ જોવા મળે છે, નોકરીથી અસંતોષ અનુભવાય છે, આક્રમકતા આવે છે. આ અભ્યાસ દરમિયાન કુલ ૧૦૦ પોલીસ જવાનોને વિવિધ વિષયો મામલે પ્રશ્ન પુછવામાં આવ્યા હતા જે પ્રશ્નોમાં સામાજિક જવાબદારી, નોકરીનો સંતોષ અને જીવનની ગુણવત્તા જેવા વિષયોનો સમાવેશ થયો હતો.