૪૯% માતા-પિતા વધારાના કલાકો કામ કરી બાળકોની ઉચ્ચ શિક્ષણ સહિતની જરૂરીયાતો પુરી કરે છે
મોંઘવારીના કારણે મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલી પડે છે. બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું મધ્યમ વર્ગીય માતા-પિતા માટે એક પડકારથી ઓછું નથી. તાજેતરમાં કરાયેલા એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે, બાળકોના મોંઘાદાટ શિક્ષણ માટે અડધો અડધ માતા-પિતા ઓવરટાઈમ કરે છે. જી હા, વધારાના કલાકો કામ કરી પોતાના બાળકોની શિક્ષણ સહિતની જરૂરીયાતો પુરી કરે છે.
બાળકોના યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે મોટાભાગના માતા-પિતા જાહેર રજાઓ માણતા નથી અને રજાના દિવસે પણ કામ કરે છે. આ ઉપરાંત સર્વે પરથી એ પણ ખુલાસો થયો છે કે ૪૯% માતા-પિતા એવા છે કે જેઓ તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉછીના નાણા લે છે. જણાવી દઈએ કે, આ પ્રકારનો સર્વે ભારત સહિતના ૧૫ દેશોમાં ૧૦,૦૦૦ માતા-પિતાઓ અને ૧૫૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે એચએસબીસી દ્વારા કરવામાં આવ્યો છે.
સર્વે મુજબ ૮૪% માતા-પિતાઓ એવા છે કે, જેમના બાળકોના યુનિવર્સિટી અભ્યાસ માટે સંપૂર્ણપણે આવક ઉપર જ નિર્ભર રહેવું પડે છે. જયારે ૪૧% એવા છે કે બાળકોના શિક્ષણ માટે કોઈ અલગ બચતફંડ જ નથી. ભારતમાં બાળકોના યુનિવર્સિટી અભ્યાસ માટે માતા-પિતા દર વર્ષે સરેરાશ ૫૫૬૦ ડોલર ખર્ચે છે તેમ જાણવા મળ્યું છે. નાણાકીય સવલતો અને લાંબાગાળાના આયોજનના અભાવે ઘણા વાલીઓએ પોતાનું ઘણુ બધુ ત્યજવુ પડે છે અને બાળકોને શિક્ષણ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા જજુમવું પડે છે.
વિદ્યાર્થીઓની ઉંમર વધતા ગણિત-વિજ્ઞાનમાં કાચા
બાળકો પ્લે હાઉસમાં જતા થાય એટલે શિક્ષણ તરફ ડગ માંડે છે ત્યારબાદ શાળામાં વિવિધ વિષયોની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ કેળવે છે પરંતુ આ જ્ઞાન મોટા થાય તેમ ભુલાય જતું હોય તેમ ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે અને આ જ વાત નેશનલ અચીવમેન્ટના સર્વેમાં યથાર્થ ઠરી છે. આ સર્વે પરથી જાણવા મળ્યું છે કે, જેમ-જેમ વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં આગળ વધે તેમ-તેમ તેઓ પાછળના ધોરણનું ભુલી જાય છે અને તેમાં પણ ખાસ કરીને ગણિત-વિજ્ઞાનમાં કાચા થઈ જાય છે. એનએએસ દ્વારા ધો.૩,૫ અને ૮ના વિદ્યાર્થીઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષયો પર પ્રશ્ર્નો પુછાયા હતા પરંતુ વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાચા જવાબો આપી શકયા ન હતા. ગણિતના વિષયમાં પ્રશ્ર્નો પુછાતા ધો.૩ના વિદ્યાર્થીઓએ ૫૪% જવાબો સાચા આપ્યા હતા જયારે ધો.૫ના વિદ્યાર્થીઓએ ૪૪% જવાબો સાચા આપ્યા હતા. આમ આગળના ધોરણમાં ધકેલાતા વિદ્યાર્થીઓ પાછળનો અભ્યાસક્રમ ભુલી જતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.