લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૨૮,૩૩૬ મતદારો પ્રથમ વખત મતદાન કરશે: જિલ્લામાં ૧૮ થી ૩૯ વર્ષનાં ૧૦૦૮૧૭૭ મતદારો યુવાન

મતદાન થકી ઉજવાતા લોકશાહીના ઉત્સવમાં મતદારોની ભૂમિકા મહત્વની છે. જયાં સુધી તમામ નાગરિકો પોતાના બંધારણે આપેલા મતાધિકારનો પૂર્ણતયા ઉપયોગ ના કરે ત્યાં સુધી લોકશાહીમાં થોડી કચાશ રહી છે. એમ કહેવાય છે આવા નાગરીકોમાં યુવામતદારો પણ સમાવેશ થાય છે. હર વખતની ચૂંટણીમાં યુવાધન ઉત્સાહ પૂર્વક મતદાન કરે છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં ૨૮૩૩૬ યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે. જિલ્લામાં ૧૮ થી ૩૯ વર્ષનાં ૧૦૦૮૧૭૭ મતદારો યુવાન છે. વિશેષ બાબત તો એ છેકે રાજકોટ જિલ્લામાં ૧-૧-૨૦૧૯ની સ્થિતિએ નોંધાયેલા કુલ મતદારો પૈકી અડધા મતદારો યુવાન છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રાજકોટ જિલ્લાની મતદાર યાદી યુવાન છે.

આ બાબતે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં વયજુથ પ્રમાણે ૧૮ થી ૧૯ વર્ષના ફૂલ ૨૮૩૩૬ મતદારો છે જયારે, ૨૦ થી ૨૯ વર્ષના કુલ ૪૩૧૮૩૩ મતદારો છે. એજ પ્રમાણે ૩૦ થી ૩૯ વર્ષની વય જૂથમા કુલ ૫૪૮૦૦૮ મતદારોનો સમાવેશ થાય છે. આ ત્રણેય વયજૂથમાં કુલ ૧૦,૦૮,૧૭૭ મતદારો છે. એટલે કે, રાજકોટ જિલ્લાના કુલ ૨૧,૧૩,૩૧૬ મતદારો પૈકી અડધા મતદારો યુવાન છે. બાકીના મતદારોની સંખ્યા વય જુથ પ્રમાણે જોઈએ તો ૪૦ થી ૪૯વર્ષના ૪,૩૦,૭૫૫, ૫૦ થી ૫૯ વર્ષના ૩,૨૯,૮૩૨, ૬૦ થી ૬૯ વર્ષના ૨,૦૨,૬૬૨ મતદારો, ૭૦ થી ૭૯ વર્ષનાં ૧,૦૩,૫૨૬ મતદારો અને ૮૦ વર્ષથી ઉંપરના કુલ ૩૮,૩૬૪ મતદારો
નોંધાયેલા છે.

યુવાનોની નોંધણી કરાવવાનું મુખ્ય શ્રેય બુથ લેવલ અધિકારીને પણ જાય છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમો દરમિયાન રાજકોટ ઉપરાંત જિલ્લાની શાળા અને કોલેજોમાં બીએલઓ ગયા હતા અને યુવા મતદારોની નોંધણી કરી હવે, મતદાન કરવા માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારનાં જનજાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.