સોનું એટલે લાંબા ગાળાનું સૌથી સુરક્ષિત રોકાણ… લાંબા સમય બાદ આજે ફરી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થયો છે. આજે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 1,451 મોંઘું થઈને 61, 245વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં વધારો એ પણ ધીમી આર્થિક વૃદ્ધિનો સંકેત છે.
સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ તેજી ચાલ પકડી છે. એક કિલો ચાંદી 68 હજારને પાર પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 10 ગ્રામ પ્રતિ 58,220 રૂપિયા હતું.
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ. હાલમાં સવા બે વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સ 690 પોઈન્ટના ઘટાડા સાથે 57,300.44 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 210.40 પોઈન્ટના ઘટાડા સાથે 16,886.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 1.20% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 1.24% સુધી નબળો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન, ટીસીએસના શેરમાં 3% જ્યારે ઈન્ફોસિસના શેરમાં 2%નો ઘટાડો થયો હતો. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થયો હતો અને 82.49 રૂપિયાના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
1 એપ્રિલથી 4 આંકડાનો હોલમાર્ક ધરાવતા સોનાના દાગીનાના વેચાણ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે સોનાના આભૂષણોની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે 31 માર્ચ, 2023 પછી, 6 ડિજીટના હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીના વેચવામાં આવશે નહીં.
મંત્રાલયે કહ્યું કે 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને ગ્રાહકોમાં રહેલી મૂંઝવણને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી, ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે. આ વિના સોના અને સોનાના દાગીનાનું વેચાણ નહીં થાય. તેમજ ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.