સૌરાષ્ટ્રમાં આજે સવારથી સર્વત્ર ઉઘાડ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી
સૌરાષ્ટ્રમાં શુક્રવારે એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. માંગરોળમાં અઢી, ધોરાજી, જેતપુર, કોટડાસાંગાણી અને તાલાલામાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.આજે સવારથી સર્વત્ર ઉઘાડ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૩ જિલ્લાના ૯૨ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં દોઢ ઈંચ, જેતપુરમાં દોઢ ઈંચ, કોટડાસાંગાણીમાં દોઢ ઈંચ, ગોંડલમાં એક ઈંચ, ઉપલેટા અને જસદણમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને માંગરોળમાં અઢી ઈંચ, મેંદરડામાં દોઢ ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં દોઢ ઈંચ, વેરાવળ, કોડીનારમાં એક ઈંચ, સુત્રાપાડા અને ઉનામાં અડધો ઈંચ, અમરેલી જિલ્લાના લાઠી, લીલીયા, વડીયામાં એક ઈંચ, અમરેલી અને બાબરામાં પોણો ઈંચ, ભાવનગર જિલ્લાના શિહોરમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામમાં પાંચ ઈંચ પડયો હોવાનું નોંધાયું છે. આજે સર્વત્ર મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.