સિંગાપોરમાં કરાઈ દફનવિધિ: પત્ની, પુત્રી ભારત આવશે
હલ્દીરામ ભજીયાના સંસ્થાપક મહેશ અગ્રવાલનું કોરોનાથી સિંગાપોરમાં શુક્રવારે મધરાત્રે અવસાન થયું હતું. હલ્દીરામ ભજીયા ઉત્પાદક કંપની પ્રતિક ફુડ પ્રોડકટનાં સંસ્થાપક મહેશ અગ્રવાલ છેલ્લે ત્રણ માસથી ફેફસાની સારવાર લઈ રહ્યા હતા અને શનિવારે ૫૭ વર્ષના થાય એ પહેલા જ શુક્રવારે મધરાતે તેમનું અવસાન થયું હતું.
સિંગાપોરમાં કોઈ વ્યકિતને અગ્નિદાહની પરંપરા નથી આથી ત્યાં અગ્રવાલનાં મૃતદેહને બાળવાને બદલે દફનાવવામાં આવ્યો હતો. તેમની સારવાર વખતે પત્ની મીના અને પુત્રી અવની પણ તેમની સાથે જ હતા. જોકે તે બંને હાલ દેશમાં આવી શકે તેમ નથી. સિંગાપોરમાં જે લોકો ફસાયા છે તે તમામ સ્વદેશ આવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે તે રીતે માતા-પુત્રી બંનેએ ભારતીય દુતાવાસ ખાતે થઈ ફોર્મ ભર્યા હતા.
સિંગાપોરમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થવાનો છે ત્યારે મીના અને અવનીને અન્ય ભારતીયો સાથે બુધવારે નવી દિલ્હી ખાતે મોકલવામાં આવશે તેમ જણાવ્યું છે. અમે મારા પિતાને બચાવી શકયા નથી પણ અમારા ધંધાને બચાવવા માટે અમારે દેશમાં જવુ જ પડશે તેમ અવનીએ જણાવ્યું હતું. અગ્રવાલને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. સૌથી મોટો પુત્ર પ્રતિક કોલકતામાં છે. જયારે મોટા પુત્રી આંચલ વૈજ્ઞાનિક છે અને સાન ફ્રાંન્સીસ્કોમાં સેન્ડવીકમાં કામ કરે છે જયારે નાની દિકરી અંતરા દહેરાદુન યુનિવર્સિટી ખાતે ગણિત, કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે.
અગ્રવાલને લીવરની ગંભીર બિમારી હતી અને પરિવાર સાથે જાન્યુઆરીમાં સિંગાપોર આવ્યા હતા જયાં લીવર ટ્રાન્સ પ્લાન્ટ સફળ થવાની પરિવારને આશા હતી. તેમની સર્જરી સફળ થઈ હતી પણ તેમને આઈસીયુમાંથી હાઈ ડિપેન્ડન્સી યુનિટ ખસેડવામાં આવતા તેમને ચેપ લાગ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે અંતિમ શ્ર્વાસ લીધા હતા.