હળવદ-ધ્રાંગધ્રા હાઇવેથી કોયબા ગામ પાસે આવેલ નર્મદા કેનાલના વોંકળામાંથી બે દિવસ પૂર્વે હળવદ ટાઉનમાં રહેતા યુવાનની પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. યુવાનના મળેલ મૃતદેહમાં પ્રથમ વોંકળાના પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યુ હતું પરંતુ યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટે રિપોર્ટમાં યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાથી મોત નિપજ્યાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે મૃતક યુવાનના ભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મરણ જનાર પોતાના ભાઈની હત્યા તેના મીત્રો સાથે વાડીયે મચ્છીની પાર્ટી દરમિયાન થયેલા ઝઘડાનો ખાર રાખી હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડે પાર્ટી પત્યા પછી યુવાન નર્મદા કેનાલના સાયફન પાસે સૂતો હોય ત્યારે ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી મોત નિપજાવી લાશને નર્મદા કેનાલના વોંકળામાં નાખી દીધાનું જણાવી ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 302 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મિત્રો સાથે વાડીમાં મચ્છીની મહેફીલ સમયે થયેલી બોલાચાલીનો લોહીયાળ અંજામ હત્યારાઓની શોધખોળ
મળતી માહિતી અનુસાર ગત તા. 14/11 ના રોજ હળવદ ટાઉનમાં રહેતા અજિત ઉર્ફે અજીયો ઉવ.20 પોતાના ઘરેથી ટ્રક ડ્રાઇવિંગની નોકરી કરવા જાવ છું તેમ કહી નીકળ્યા બાદ તા.19 નવેમ્બરના રોજ કોયબા ગામથી આગળ નર્મદા કેનાલના વોકળામાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે પ્રથમ કોઈ કારણોસર વોંકળાના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયાનું બહાર આવ્યું હતું, પરંતુ યુવકના મૃતદેહને રાજકોટ પોરસમોર્ટમ કરવા ખસેડાતા જ્યાં પોસ્ટમોર્ટમમાં યુવાનની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો.
બીજીબાજુ મરણ જનારના ભાઈ અશોક દેવશીભાઇ સીરોયાએ રહે.જીઆઈડીસી પાછળ વાડીમાં હળવદ પોલીસ મથકમાં આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ રહે.કોયબા રોડ, કિશાન વેર હાઉસ બોર્ડની સામે વાડીમાં વિરુદ્ધ સાક્ષીઓ સાથે રાખી ફરિયાદ નોંધાવી કે ગઇ તા.15/11/2023 ના સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદી અશોકભાઈના ભાઇ અજીત ઉર્ફે અજીયો દેવસીભાઇ સીરોયા તથા તેનો મિત્ર સંજય ચંદુભાઇ કોળી, લાલજી ઉર્ફે લાલો ધીરૂભાઇ રજપુત તથા હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ એમ બધા સંજય ચંદુભાઇ કોળીના કાકા ધવલ ડાભી રહે. હળવદ વાળાની કોયબા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ વાડી ઉપર મચ્છી ખાવાની પાર્ટી કરેલ હતી ત્યારે મરણ જનાર અજીત ઉર્ફે અજીયાનો અને હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડ વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ હતો. તે બાબતનું મનદુ:ખ રાખી અજીત ઉર્ફે અજીયો નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો ત્યારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડ એ અજીત ઉર્ફે અજીયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મૃત્યુ નીપજાવી તેની લાશ કેનાલના પાણીના વોકળામાં નાખી દઈ તેનું મો.સા. તથા મોબાઇલ ગુમ કરી દઇ પુરાવાનો નાશ કરી દીધાની હકીકત જણાવી ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ભરવાડ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.